નાસ્તા બાબતે PI સાથે તડાફડી કરનાર કોન્સ્ટેબલની દૂર બદલી : ગાંધીનગર સુધી ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરા પોલીસ બેડામાં એક પીઆઈ સાથે કોન્સ્ટેબલના થયેલા ઝઘડા બાદ મામલો ઉચ્ચ અધિકારી સુધી પહોંચતા કોન્સ્ટેબલની દૂરના સ્થળે બદલી કરી દેવામાં આવી હોવાનો મુદ્દો ચર્ચામા છે. મહત્વની બાબત એ છે કે શિસ્તના કહેવાતા આ ખાતામાં કોન્સ્ટેબલે એસપી કક્ષાના એક અધિકારી તેમજ પીઆઈ વિરુધ્ધમાં છેક ગાંધીનગર સુધી લેખિતમાં ફરિયાદ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરમાં આવેલી પોલીસ વિભાગની બ્રાન્ચમાં એક પીઆઇએ આ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને નાસ્તો લેવા મોકલ્યો હતો જેથી તે નાસ્તો લઇને પરત આવ્યા બાદ ફરીથી તેને નાસ્તો લેવા મોકલતા તે કામગીરી પણ તેણે કરી હતી. બે વખત નાસ્તો લઇને આવ્યા બાદ આ પીઆઈએ કોન્સ્ટેબલને ફરીથી નાસ્તો લેવા મોકલવાની વાત કરતા જ કોન્સ્ટેબલે સ્પષ્ટ ના પાડી આ મારું કામ નથી, તમો વારંવાર ધક્કો ખવડાવી હેરાન કરો છો, હવે બીજા કોઈને મોકલો તેમ કહ્યું હતું. દરમિયાન પીઆઈએ પોતાની સાથે કોન્સ્ટેબલે કરેલા વ્યવહારની જાણ પોતાના ઉચ્ચ અધિકારીને કરતા અધિકારીએ કોન્સ્ટેબલને બોલાવ્યો હતો અને પૂછપરછ કરતાં અધિકારીએ પણ એમ કહ્યું હતું કે તો તું પણ મારી સાથે આવો જ વ્યવહાર કરીશ તેમ કહી કોન્સ્ટેબલની દૂરના સ્થળે બદલી કરવાનો મૌખિક હુકમ કર્યો હતો. પરંતુ કોન્સ્ટેબલને ઉપરના અધિકારીઓએ પોતાનું અપમાન કર્યું છે તેમ લાગતા તેણે પણ બંને અધિકારીઓ વિરુધ્ધ લેખિતમાં ગાંધીનગર સુધી ફરિયાદ કરી છે.
પીઆઈ અને કોન્સ્ટેબલ વચ્ચેનો નાસ્તા બાબતનો ઝઘડો અને બાદમાં તેની થયેલી બદલી હાલ પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય સંજોગોમાં શિસ્તની નોકરી કહેવાતા પોલીસ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓનું શોષણ પોલીસ કર્મચારીઓ સહન કરતા હોય છે પરંતુ આ કોન્સ્ટેબલે હિંમત દર્શાવીને ઉપર સુધી ફરિયાદ કરી છેક સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હોય તેમ લાગી રહ્યું છે. આ બ્રાન્ચમાંથી એક મહિલા કોન્સ્ટેબલની પણ બદલી કરાતા તે પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે.









