Baroda

કોંગ્રેસનો ભાજપ પર રામ મંદિર ટ્રસ્ટ મુદ્દે આકરો પ્રહાર

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુરેન્દ્ર રાજપુતે રામ મંદિર ટ્રસ્ટ અને ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે રામ મંદિરના દાન અને જમીન ખરીદીમાં ગેરરીતિ થઈ છે. પ્રાણ પ્રતિષ્ઠામાં 113 કરોડનો ખર્ચ થયો. 16 કરોડ શ્રદ્ધાળુઓએ 3,200 કરોડનો ચઢાવો ચઢાવ્યો હોવાનો દાવો કરતા, બેંકમાં માત્ર 84 કરોડ જમા થયા. બાકીની રકમ ક્યાં ગઈ તે અંગે વડાપ્રધાન જવાબ આપે તેવી માંગ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

કોંગ્રેસનો ભાજપ પર રામ મંદિર ટ્રસ્ટ મુદ્દે આકરો પ્રહાર

વડોદરામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુરેન્દ્ર રાજપુતે રામ મંદિર ટ્રસ્ટ અને ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે ભગવાન રામ પ્રત્યે દેશના કરોડો લોકોની આસ્થા છે, પરંતુ ભાજપે ભગવાન રામના નામે રાજકારણ કર્યું છે અને તેમના શાસનમાં જ રામ મંદિરના દાન તથા જમીન ખરીદીમાં કથિત ગેરરીતિઓ થઈ છે.
સુરેન્દ્ર રાજપુતે જણાવ્યું હતું કે જ્યારે સુપ્રીમ કોર્ટે રામ મંદિર નિર્માણની મંજૂરી આપી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. તેથી જો ટ્રસ્ટમાં કોઈ ગેરરીતિ થઈ હોય તો તેની જવાબદારી પણ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનની બને છે. તેમણે આરોપ લગાવ્યો કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં રૂ. 113 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને તેનો સમગ્ર શ્રેય પણ વડાપ્રધાન દ્વારા લેવામાં આવ્યો હતો.
કોંગ્રેસ પ્રવક્તાએ દાવો કર્યો કે મહાકુંભ દરમિયાન અંદાજે 16 કરોડ શ્રદ્ધાળુઓએ રામ મંદિરમાં ચઢાવો ચઢાવ્યો હતો. તેમના કહેવા મુજબ ચઢાવાની રકમ આશરે રૂ. 3,200 કરોડ જેટલી હોવી જોઈએ, જ્યારે બેંકમાં માત્ર રૂ. 84 કરોડ જમા થયા હોવાનું સામે આવ્યું છે. બાકીની રકમ ક્યાં ગઈ તે અંગે વડાપ્રધાન દેશને જવાબ આપે તેવી તેમણે માંગ કરી હતી.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરથી લગભગ 8 કિલોમીટર દૂર રૂ. 84 કરોડના ખર્ચે જમીન ખરીદવામાં આવી છે અને ત્યાં ચારો તૈયાર કરવામાં આવે છે. ગૌશાળા ન હોવા છતાં ચારો કોના માટે તૈયાર કરવામાં આવે છે તે અંગે પણ તેમણે સવાલ ઉઠાવ્યો.
સુરેન્દ્ર રાજપુતે આ સમગ્ર મામલાને "મહાકૌભાંડ" અને "મહાપાપ" ગણાવતાં કહ્યું કે પીએમઓ તથા સંઘના નેતૃત્વની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. તેમણે ચંપત રાય અને અનિલ મિશ્રા સામે એફઆઈઆર નોંધવાની અને તેમની ધરપકડ કરવાની માંગ કરી હતી.
કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર તપાસ સમિતિ રચવાની તેમજ હાલના રામ મંદિર ટ્રસ્ટને ભંગ કરીને તેમાં શંકરાચાર્યો અને મહંતોનો સમાવેશ સાથે નવું ટ્રસ્ટ બનાવવાની માંગ પણ કરી હતી.