પત્નીને પિયરમાં મૂકી આવી બીજા લગ્ન કરી લેનાર પતિ સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરાના ફતેપુરામાં હાલ પિતાના ઘરે રહેતી લુબનાબેન પઠાણે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન 08/11/2024 ના રોજ ડભોઈ ખાતે રહેતા ફૈજાન ઈકબાલખાન પઠાણ સાથે મુસ્લિમ સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ શરૂઆતમાં સંસાર સારો ચાલ્યો, પરંતુ થોડા સમય પછી મારા પતિ ઘરકામની નાની-નાની વાતોમાં મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જ્યારે મેં મારા સાસુ અનીશાબેન અને સસરા ઈકબાલખાનને આ અંગે વાત કરી, ત્યારે તેઓએ સમાધાન કરાવવાને બદલે મારા પતિને ચઢામણી કરી મને શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
તા. 09/05/2025 ના રોજ મેં પુત્રીને જન્મ આપ્યો, જેથી મારા પતિએ “મારે છોકરો જોઈતો હતો, તે છોકરીને જન્મ આપ્યો છે" તેમ કહી મારી સાથે મારઝૂડ કરી હતી. તેમણે મને ધમકી આપી કે, “તારા પિતાએ દહેજમાં કંઈ આપ્યું નથી, જો મારી સાથે રહેવું હોય તો તારા પિતા પાસેથી રૂ.5 લાખ રોકડા લઈ આવ, મારે બીજી છોકરી સાથે લગ્ન કરવા છે તું છૂટાછેડા આપી દે”. મારો સંસાર ન તૂટે તે માટે હું આ બધો ત્રાસ મૂંગા મોઢે સહન કરતી રહી.
ગઈ તા.19/06/2026 ના રોજ મારા પતિ મને વડોદરા મૂકીને જતા રહ્યા અને બાદમાં તેમણે બીજા લગ્ન કરી લીધા હોવાની મને જાણ થઈ હતી. મારા પિતાએ લગ્નમાં આપેલા દાગીના પૈકી સોનાનો હાર મારા સસરાએ બેંકમાં ગીરવે મૂકી દીધો છે અને અન્ય દાગીના તથા ફર્નિચર પણ સાસરીમાં રાખી લીધા છે.




