Baroda

વડોદરાના ભગાના મૂવાડા ગામે નદી કિનારે મગરોનો ખોફ વચ્ચે શિક્ષણ લેતા બાળકો

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરા જિલ્લામાં જર્જરિત શાળાઓને કારણે બાળકોની હાલત દયનીય બની છે. સાવલીના ભગાના મુવાડા ગામે ધોરણ 1 થી 5ના 50 વિદ્યાર્થીઓ છેલ્લા દોઢ વર્ષથી નદી કિનારે ખુલ્લામાં ભણી રહ્યા છે. અહીં મગર અને અન્ય સરીસૃપોનો ભય હોવા છતાં, શિક્ષકો અને બાળકો જીવના જોખમે ભણવા મજબૂર છે. આ અંગે ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ભગાના મૂવાડા ગામે નદી કિનારે મગરોનો ખોફ વચ્ચે શિક્ષણ લેતા બાળકો

વડોદરા જિલ્લાની અનેક જર્જરિત સ્કૂલોના ઓરડા તોડી નાખવામાં આવ્યા છે,પરંતુ ત્યાં નવી સ્કૂલ બનતી નહિ હોવાથી બાળકોની હાલત દયનીય બની જતી હોવાના કિસ્સા જાણવા મળી રહ્યા છે.પ્રાથમિક શિક્ષણ પાછળ લાખોના ખર્ચ વચ્ચે સાવલી તાલુકામાં બહાર આવેલા આવા જ એક કિસ્સામાં ધોરણ-૧થી૫ ના વિદ્યાર્થીઓને નદી કિનારે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવાનો વખત આવ્યો છે.
સાવલી તાલુકાના તુલસીપુરા જૂથ પંચાયત ના પેટા પરા ભગાના મુવાડા ગામે શિક્ષણ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા સામે આવી છે,જેમાં ગામની પંચાયત હસ્તકની ધોરણ-૧થી ૫ની શાળા અને આંગણવાડી જર્જરિત હોવાથી દોઢ વર્ષ પહેલાં તોડી નાખવામાં આવી હતી.
નવી સ્કૂલ બને ત્યાં સુધી આશરે ૫૦ જેટલા વિદ્યાર્થીઓ માટે ગામની કરડ નદીના કિનારે આવેલા હનુમાન મંદિરના શેડ નીચે અભ્યાસની કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હતી.જ્યારે,આંગણવાડીના બાળકોને દૂધ મંડળીમાં બેસાડવામાં આવ્યા હતા.પરંતુ હજી નવી બિલ્ડિંગ બની નથી અને હવે આ હંગામી સ્કૂલ કાયમી ધોરણે ચાલવાની હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
ગંભીરતા એ છે કે,નદીમાં વારંવાર મગરો જોવા મળે છે અને સરીસૃપો પણ અવારનવાર બહાર આવી જતા હોય છે.આમ છતાં બે શિક્ષકો અને વિદ્યાર્થીઓ જાનના જોખમે કામચલાઉ શાળામાં હાજરી આપી રહ્યા છે.વળી અહીં બાળકો માટે લાઇટ, પંખા,પાણી કે શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ પણ નથી.જેથી રજૂઆતો કરીને થાકી ગયેલા ભારે ચિંતીત બન્યા છે.
આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારી હેમંત માછી એ જણાવ્યું છે કે આ શાળા ના બાંધકામ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઇ છે.

આંગણવાડી માટે પાંચ વર્ષ પહેલાં મૂકેલી દરખાસ્ત મંજૂર થયાને બે વર્ષ થઇ ગયા
ભગાના મૂવાડા ગામે સ્કૂલ અને આંગણ વાડી બનાવવાના મુદ્દે ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ભગાના મૂવાડા ગામના સરપંચ મહેશભાઈ તલાવિયાએ કહ્યું છે કે નવી આંગણ વાડી બનાવવા માટે પાંચ વર્ષ પહેલાં દરખાસ્ત કરવામાં આવી હતી.જેને મંજૂરી મળી ગઇ છે.પરંતુ ત્યારપછી પણ બે વર્ષ થઇ ગયા હોવા છતાં કામ ચાલુ થયું નથી.
જ્યારે,ધીરૃભાઇ વાઘેલાએ કહ્યું હતું કે,અમે કલેક્ટર,ધારાસભ્ય થી માંડીને ગાંધીનગર સુધી રજૂઆતોકરી છે,પરંતુ હજી તેનો ઉકેલ આવ્યો નથી.જો સરકાર આંદોલનની ભાષા સમજતી હોય તો નાછૂટકે અમારે લડત આપવી પડશે.

ડભોઇના મંહમદપુરાગામે મદ્રેસામાં સ્કૂલ શિફ્ટ કરવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો
વાઘોડિયા ના ગોવિંદપુરામાં એક જ ઓરડામાં બે શિક્ષકો પાંચ ધોરણ ચલાવે છે

વડોદરા જિલ્લાના અનેક ગામોમાં જર્જરિત સ્કૂલોના ઓરડા તોડી પાડવાને કારણે બાળકોની દયનીય હાલત સર્જાઇ છે.
થોડા સમય પહેલાં ડભોઇ તાલુકાના મહંમદપુરા ગામે આવી જ રીતે જર્જરિત સ્કૂલ બંધ કરીને મદ્રેસામાં સ્કૂલનું શિક્ષણ કાર્ય ચાલુ કરાતાં વિવાદ સર્જાયો હતો.ત્યારબાદ ફરી સ્કૂલ શિફ્ટ કરવી પડી હતી.
આવી જ રીતે વાઘોડિયા તાલુકાના ગોવિંદપુરા ગામે ઓરડા જર્જરિત થઇ ગયા હોવાથી ધોરણ-૧થી ૫ના વર્ગો એક જ ઓરડામાં ચાલી રહ્યા છે.બે શિક્ષકો પાંચ-પાંચ ધોરણના બાળકોને કેવી રીતે ભણાવતા હશે તે મુદ્દો શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચામાં રહ્યો હતો.