Baroda

વહેલી સવાર સુધી ગૂંજ્યા 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ: વડોદરામાં 16 હજારથી વધુ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ગણેશોત્સવની ભક્તિમય પૂર્ણાહુતિ થઈ છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના 12 સ્થળોએ, જેમાં કૃત્રિમ અને કુદરતી તળાવોનો સમાવેશ થાય છે, ત્યાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. વહેલી સવાર સુધીમાં અંદાજે 16 હજાર નાની-મોટી પ્રતિમાઓનું વિસર્જન પૂર્ણ થયું. ડીજે, ઢોલ-નગારા અને 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ સાથે ભક્તોએ ભાવભીની વિદાય આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

વહેલી સવાર સુધી ગૂંજ્યા 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ: વડોદરામાં 16 હજારથી વધુ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન

Vadodara: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ અને કુદરતી તળાવોમાં ગણેશોત્સવ દરમિયાન શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં શહેરના વિવિધ વિસર્જન સ્થળોએ અંદાજે 16 હજાર નાની-મોટી શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન પૂર્ણ થયું હતું.

વહેલી સવાર સુધી શહેરના માર્ગો પર શ્રીજીની સવારીઓનો ધમધમાટ જોવા મળ્યો હતો. ડીજે, ઢોલ-નગારાના તાલ અને 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ સાથે ભક્તોએ વાજતે-ગાજતે વિધ્નહર્તાને વિદાય આપી હતી.

શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ઝોનના કુલ 12 સ્થળોએ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પૂર્વ ઝોનમાં લેપ્રસી મેદાન સ્થિત કૃત્રિમ તળાવ, ખોડિયારનગર ચાર રસ્તા સ્થિત કૃત્રિમ તળાવ અને હરણીકુંડ ખાતે વિસર્જન થયું હતું. પશ્ચિમ ઝોનમાં દશામાં તળાવ, ભાયલી સ્થિત કૃત્રિમ તળાવ અને બિલ તળાવ ખાતે ભક્તોએ શ્રીજીને વિદાય આપી હતી.

ઉત્તર ઝોનમાં નવલખી કૃત્રિમ તળાવ અને હરણી-સમા લિંક રોડ સ્થિત કૃત્રિમ તળાવ ખાતે મોટી સંખ્યામાં પ્રતિમાઓનું વિસર્જન થયું હતું. જ્યારે દક્ષિણ ઝોનમાં એસએસવીપી સ્થિત કુબેરેશ્વર કૃત્રિમ તળાવ, માંજલપુર કંચન ઉદ્યાન સ્થિત કૃત્રિમ તળાવ, તરસાલી તળાવ અને મકરપુરા તળાવ ખાતે વિસર્જનની કામગીરી કરવામાં આવી હતી.

આ સાથે વડોદરામાં ગણેશોત્સવની પૂર્ણાહુતિ થઈ છે. ભક્તોએ 'અગલે બરસ તું જલ્દી આના'ના નારા સાથે પોતાના આરાધ્ય દેવને ભાવભીની વિદાય આપી હતી. નિર્વિઘ્ને વિધ્નહર્તા શ્રી ગણેશજીનું વિસર્જન સંપન્ન થતાં ભક્તોમાં ભાવુક માહોલ જોવા મળ્યો હતો.