Baroda

વડોદરામાં સાડા ત્રણ વર્ષમાં ૭.૨૦ લાખ વાહન માલિકો સામે કોર્ટમાં કેસ

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
ટ્રાફિક પોલીસે છેલ્લા 3.5 વર્ષમાં 7.20 લાખ વાહન માલિકો સામે ચલણ ન ભરવા બદલ કોર્ટ કેસ કર્યા છે. ઘણાને તો જાણ પણ નથી કે તેમના વિરુદ્ધ કેસ થયો છે. શોરૂમના નંબર RC બુકમાં હોવાથી વાહન માલિકોને SMS મળતા નથી. ટ્રાફિક પોલીસે RTOને 300 વાહન માલિકોની યાદી મોકલી નંબર અપડેટ કરાવવા જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં સાડા ત્રણ વર્ષમાં ૭.૨૦ લાખ વાહન માલિકો સામે  કોર્ટમાં કેસ

ટ્રાફિક પોલીસે છેલ્લા સાડા ત્રણ વર્ષ દરમિયાન ચલણ ભરવામાં બેદરકારી દાખવનારા કુલ ૭.૨૦ લાખ વાહન માલિકો સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, આ પૈકી એવા વાહન માલિકોની સંખ્યા મોટી છે જેઓને આજે પણ ખબર નથી કે તેમના વિરૃદ્ધ કોર્ટમાં કેસ થઈ ગયો છે. કોર્ટમાં દાખલ થયેલા મોટા ભાગના કેસોનો નિકાલ પણ આવી ગયો છે.
ટ્રાફિક વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇ-ચલણ જનરેટ થયા બાદ વાહન માલિકને ઓનલાઈન અથવા અન્ય માધ્યમથી દંડ ભરવા માટે સમય આપવામાં આવે છે. જો ૯૦ દિવસ સુધી દંડ ભરવામાં ન આવે તો તે કેસ કોર્ટમાં મોકલી દેવામાં આવે છે. ત્યારબાદ કોર્ટની પ્રક્રિયા શરૃ થાય છે.
તાજેતરમાં પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન દરમિયાન અનેક અરજદારો સામે ટ્રાફિક કેસ હોવાનું સામે આવ્યું છે. ઘણા લોકોને ત્યારે પહેલી વખત ખબર પડે છે કે તેમની સામે ટ્રાફિક કોર્ટમાં કાર્યવાહી થઈ ચૂકી છે. પરિણામે પાસપોર્ટ સહિતની કેટલીક સરકારી પ્રક્રિયાઓમાં વિલંબ થાય છે.
ટ્રાફિક પોલીસ એવો ખુલાસો કરે છે કે, અમે આર.સી.બુક સાથે એટેચ થયેલા મોબાઇલ નંબર પર મેસેજ મોકલીએ છીએ અને કેટલાક કિસ્સામાં કોલ પણ કરીએ છે. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે, મૂળ વાહન માલિક સુધી ઇ - ચલણ ઇશ્યૂ થયાનો મેસેજ પહોંચતો જ નથી.
ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટના વેરિફિકેશન કે પીસીસી માટે જતા અરજદારોને પોલીસ કર્મચારી દ્વારા ઇ ગુજ કોપ એપ્લિકેશન મારફતે દાખલ થયેલા કેસની માહિતી મેળવી પહોંચાડવામાં આવે છે. ત્યારે જ અરજદારને ખબર પડે છે કે, તેમની સામે કોર્ટમાં કેસ દાખલ થયો છે. આ કેસનો નિકાલ થઇ ગયો હોવાનું ઓનલાઇન દેખાતું હોવાછતાં અરજદારને ઓર્ડરની કોપી આપી જવાનું કહેવામાં આવે છે.

વાહન માલિકો સુધી ઇ - ચલણનો મેસેજ નહીં પહોંચવાનું કારણ

આ પરિસ્થિતિ પાછળનું એક મોટું કારણ વાહનોના રજિસ્ટ્રેશનની વર્તમાન પદ્ધતિ પણ છે. હાલ મોટાભાગના નવા વાહનોનું રજિસ્ટ્રેશન સીધું શોરૃમમાંથી કરવામાં આવે છે. રજિસ્ટ્રેશન દરમિયાન ઓ.ટી.પી. મેળવવામાં તકલીફ ના પડે તે માટે વાહન માલિકના બદલે શોરૃમના કર્મચારીનો મોબાઇલ નંબર આર.સી. બુક સાથે જોડાઈ જાય છે. પરિણામે ઇ-ચલણનો SMS અથવા અન્ય સૂચના વાહન માલિક સુધી પહોંચતી જ નથી.

વાહન માલિકોના નંબર અપડેટ કરવા પોલીસે આર.ટી.ઓ.ને યાદી મોકલી

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે ખાસ અભિયાન શરૃ કર્યું છે. પ્રથમ તબક્કામાં આશરે ૩૦૦ એવા વાહન માલિકોને ઓળખવામાં આવ્યા છે. આ તમામ વાહનોની યાદી તૈયાર કરીને આર.ટી.ઓ.ને મોકલવામાં આવી છે જેથી યોગ્ય મોબાઇલ નંબર અપડેટ કરી શકાય. આ ઉપરાંત હજી વધુ ૪૦૦ વાહન માલિકોની યાદી પણ તૈયાર થઇ રહી છે.