સાઠોદના તળાવમાંથી હાથ અને પગ બાંધેલી હાલતમા ંયુવાનની લાશ મળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડભોઈ તાલુકાના સાઠોદ ગામના તળાવમાંથી ચાર દિવસ પહેલા ગુમ થઇ ગયેલા યુવાનની લાશ દોરીથી હાથ અને પગ બાંધેલી હાલતમાં મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. યુવાનની હત્યા કરી લાશને તળાવમાં નાખી દીધી હોવાની આશંકા સાથે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સાઠોદ ગામના તળાવમાં અજાણ્યા યુવકનો મૃતદેહ પાણીમાં તરતો હોવાની જાણ સ્થાનિક ગ્રામજનોને થઈ હતી. આ વાત વાયુવેગે ગામમાં ફેલાતાં જ મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે દોડી આવ્યા હતા. મૃતક યુવકના હાથ અને પગ પ્લાસ્ટિકની દોરીથી બાંધેલા જોવા મળ્યા હતાં.
આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ પણ સ્થળ પર આવી ગઇ હતી અને લાશને તળાવમાંથી બહાર કાઢતા તેની ઓળખ નવીનગરીમાં રહેતા ગુરુશરણ કોઇજીભાઇ તડવી તરીકે થઇ હતી. મૃતક યુવાન છેલ્લા ચાર દિવસથી લાપતા થયો હતો અને તેની શોધખોળ ચાલતી હતી ત્યારે જ તેની લાશ મળતા રહસ્યોના વાદળો ઘેરાયા છે.
પોલીસે યુવાનની લાશને પીએમ માટે મોકલી છે. પ્રાથમિક દ્રષ્ટિએ યુવાનની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે તેની લાશને બાંધી દઇ તળાવમાં નાખી દીધી હોવાનું મનાતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.




