ગોરવા તળાવમાં ભાજપના કાઉન્સિલરો જેકેટ વગર તરાપા પર સવાર, દુર્ઘટના થાય તો જવાબદાર કોણ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેર સંસ્કાર નગરીમાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશામાની પ્રતિમાઓના વિસર્જનની પરંપરા શુક્રવારે મોડી રાતથી શરૂ થઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવોમાં ભક્તો દ્વારા દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્થળો પર પોલીસ સ્ટાફ તેમજ ઉચ્ચ અધિકારીઓની તૈનાતી કરવામાં આવી હતી. તળાવમાં પ્રતિમા વિસર્જન માટે તરાપાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જોકે, સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જ કેટલાક દ્રશ્યો તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરે તેવા જોવા મળ્યા હતા.
ગોરવા દશામા તળાવ ખાતે ભાજપના કાઉન્સિલરો લાઇફ જેકેટ પહેર્યા વિના તરાપા પર સવાર થયેલા જોવા મળ્યા હતા. તળાવમાં ઉતરતી વખતે લાઇફ જેકેટ સહિતની સુરક્ષા વ્યવસ્થા જરૂરી હોવા છતાં જવાબદાર વ્યક્તિઓ દ્વારા જ તેની અવગણના કરવામાં આવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જો આ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય અને જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની? તેવો સવાલ ઉઠી રહ્યો છે.
માત્ર ગોરવા જ નહીં, અન્ય કેટલાક કૃત્રિમ તળાવો ખાતે પણ આવી જ રીતે સુરક્ષા નિયમોની અવગણના કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ પોલીસ અને મનપાની ટીમને સુરક્ષા વ્યવસ્થા માટે સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી, ત્યારે બીજી તરફ તેમની નજર સામે જ સુરક્ષાના નિયમોનું પાલન ન થતું હોય તો તંત્રની દેખરેખ સામે પણ પ્રશ્નો ઉભા થાય છે.
દશામાની પ્રતિમાઓના વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. આવી સ્થિતિમાં નાની બેદરકારી પણ ગંભીર દુર્ઘટનામાં પરિણમી શકે છે. તેથી જાનહાનિ ન સર્જાય તે માટે માત્ર પોલીસ અને અધિકારીઓની હાજરી પૂરતી નહીં, પરંતુ સુરક્ષા નિયમોનું કડક પાલન થાય તે માટે અસરકારક દેખરેખ અને કાર્યવાહી જરૂરી છે.









