ભાદરવો ભરપૂર : વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : 2.5 ઇંચમાં વરસાદ ખાબકતા જળબંબાકાર, ઠેર ઠેર પાણી ભરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Rain Update : ગત શનિવારથી ભાદરવાના પ્રારંભ સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત્ રહેતા રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે ખેતીપાકને પણ નવું જીવતદાન મળ્યું છે.
વડોદરા શહેરમાં વહેલી સવારે છ વાગ્યાથી જ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. 2.5 ઇંચ વરસાદમાં થોડા જ સમયમાં શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું.
વાઘોડિયા રોડ, રાવપુરા રોડ, ચાર દરવાજા વિસ્તાર અને આજવા રોડ સહિતના વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારના સમયે કામ-ધંધે જવા નીકળેલા લોકો પાણીમાંથી વાહનો પસાર કરવા મજબૂર બન્યા હતા. અનેક સ્થળોએ વાહનો પાણીમાં બંધ પડી જતાં ચાલકોએ વાહનોને ધક્કા મારીને બહાર કાઢવાની નોબત આવી હતી.
વડોદરાને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની વાતો વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા હજુ પણ યથાવત્ છે. વરસાદ પડતાં જ ચોક્કસ સ્થળોએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે. યોગ્ય આયોજન અને કાયમી ઉકેલના અભાવે દર વર્ષે ચોમાસામાં શહેરીજનોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. શહેરમાં પાણી ભરાવાની સમસ્યાએ તંત્રની વરસાદ પૂર્વેની કામગીરી અને આયોજન સામે ફરી સવાલો ઉભા કર્યા છે. વરસાદ ખેંચાઈ જતાં ખેતીપાક અને પાણીની સ્થિતિને લઈને ચિંતિત બનેલા લોકોમાં ફરી વરસાદ વરસતાં રાહતની લાગણી જોવા મળી હતી.
ભારે વરસાદની આગાહી વચ્ચે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ, આજે વડોદરા સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
રેડ એલર્ટ : દાદરા અને નગર હવેલી, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
ઓરેન્જ એલર્ટ : ડાંગ, તાપી, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
યલો એલર્ટ : ગુજરાતના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
15મીએ 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 17મીએ વરસાદમાં વિરામની આગાહી
15 સપ્ટેમ્બર : ઓરેન્જ એલર્ટ : જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત અને નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે.
16 સપ્ટેમ્બર : સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ : બુધવારે રાજ્યના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
17 સપ્ટેમ્બર : વરસાદમાં વિરામની શક્યતા : ગુરુવારે રાજ્યમાં વરસાદનું જોર ઘટી વરસાદમાં વિરામ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ગણેશ પંડાલોમાં વરસાદી પાણી ઘૂસતાં આયોજકોમાં દોડધામ
શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ગણેશ પંડાલોમાં ઘૂસી જતા ગણેશોત્સવના આયોજકોમાં દોડધામ મચી હતી. આજે ગણેશ સ્થાપના હોવાથી આયોજકોની ચિંતા વધી હતી. ગણેશ પ્રતિમાઓ અને મંડપને વરસાદથી બચાવવા પ્લાસ્ટિકના આવરણથી ઢાંકવાની કામગીરી કરવામાં આવી હતી. મોટાભાગના સ્થળોએ શ્રીજીની સ્થાપના કરવાની બાકી હોવાથી વરસાદ વિરામ લે તેવી આયોજકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી હતી.
દાંડિયા બજારમાં સૌથી વધુ 89.50 મિમી વરસાદ, આસોજમાં 71.50 મિમી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા છેલ્લા 24 કલાકના વરસાદના સત્તાવાર આંકડા મુજબ, સવારે 10:30 વાગ્યે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં સૌથી વધુ 89.50 મિમી વરસાદ નોંધાયો છે. ત્યારબાદ આસોજમાં 71.50 મિમી, ગોપીપુરામાં 64 મિમી, હાલોલમાં 59.50 મિમી, રૂપાપુરામાં 58.50 મિમી, પશ્ચિમ ઝોનના હરિનગરમાં 59.50 મિમી, પૂર્વ ઝોનના આજવામાં 52.50 મિમી, દક્ષિણ ઝોનના માંજલપુરમાં 48.50 મિમી, તાજપુરામાં 44 મિમી, ઉત્તર ઝોનના સમામાં 43 મિમી, પ્રતાપપુરામાં 43.50 મિમી, મહીસાગર (દોડકા)માં 37.50 મિમી, જ્યારે આજવા સરોવરમાં 9.50 મિમી વરસાદ નોંધાયો છે.
કરજણમાં 68 મિમી વરસાદ, સિનોરમાં સિઝનનો સૌથી વધુ 862 મિમી વરસાદ
વડોદરા જિલ્લા કંટ્રોલરૂમ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આજે સોમવારે જિલ્લામાં સૌથી વધુ કરજણમાં 68 મિમી, વડોદરામાં 60 મિમી અને પાદરામાં 36 મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત શિનોરમાં 22 મિમી, ડેસરમાં 12 મિમી, ડભોઈમાં 11 મિમી, વાઘોડિયામાં 6 મિમી અને સાવલીમાં 3 મિમી વરસાદ નોંધાયો છે. તાલુકાવાર સિઝનના વરસાદની વાત કરીએ તો સાવલીમાં 357 મિમી, વડોદરામાં 634 મિમી, વાઘોડિયામાં 408 મિમી, ડભોઈમાં 662 મિમી, પાદરામાં 595 મિમી, કરજણમાં 578 મિમી, સિનોરમાં 862 મિમી અને ડેસરમાં 550 મિમી વરસાદ નોંધાયો છે. આમ, વડોદરા જિલ્લામાં આજે સરેરાશ 27.25 મિમી અને સિઝનનો કુલ 580.75 મિમી વરસાદ નોંધાયો છે.




