BCAચૂંટણી ઃ કાનૂની ગૂંચવણમાં છ મહિનાથી મતગણતરી અટવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ની વર્ષ ૨૦૨૬-૨૯ માટેની ચૂંટણી યોજાયાને છ મહિનાથી વધુ સમય વીતી ગયો છે, છતાં કાનૂની ગૂંચવણના કારણે હજુ સુધી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ શક્યું નથી.
ગત ૧૫ ફેબુ્રઆરીએ યોજાયેલી ચૂંટણીમાં 'રિવાઇવલ' અને 'રોયલ સત્યમેવ જયતે' જૂથ વચ્ચે ટક્કર જોવા મળી હતી. કુલ ૨૦૬૪ સભ્યોમાંથી ૧૪૩૦ સભ્યોએ મતદાન કર્યું હતું. ચૂંટણીમાં કુલ ૩૧ પદો માટે ૬૩ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ૩૧ ઉમેદવારો રિવાઇવલ અને ૩૧ ઉમેદવારો રોયલ સત્યમેવ જયતે જૂથના હતા. જ્યારે પ્રેસ એન્ડ પબ્લિસિટી કમિટી માટે એક અપક્ષ ઉમેદવારે પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું.
મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતપેટીઓને સીલ કરીને ફતેગંજ સ્થિત હિલ મેમોરિયલ શાળાના સ્ટ્રોંગ રૃમમાં સુરક્ષિત રખાઈ છે. ચૂંટણી દરમિયાન શહેરના પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા રોયલ સત્યમેવ જયતે જૂથના સેક્રેટરીપદના ઉમેદવાર અનંત ઇન્દુલકર અને ટ્રેઝરરપદના ઉમેદવાર અમર પેટીવાલા, તેમજ રિવાઇવલ જૂથના પ્રમુખપદના ઉમેદવાર કિરણ મોરે અને સેક્રેટરીપદના ઉમેદવાર અમુલ જીકારને અયોગ્ય ઠેરવવાની માગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી.
હાઇકોર્ટે ચારેય ઉમેદવારોને ચૂંટણી માટે અયોગ્ય ઠેરવ્યા છે અને તેમના નોમિનેશન ફોર્મ સ્વીકારવાનો રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય રદ કર્યો છે. સિંગલ જજની બેન્ચના ચૂકાદા સામે એલપીએ (લેટર્સ પેટન્ટ અપીલ) દાખલ કરાઈ છે. પરિણામે માત્ર ચાર પદો જ નહીં, પરંતુ અન્ય ૨૮ પદોના પરિણામો પણ અનિર્ણિત રહ્યા છે. હાલની 'કેર ટેકર બોડી' માત્ર ડે-ટુ-ડે કામગીરી સંભાળી રહી છે, જેથી કેટલાક મહત્ત્વના નિર્ણય પણ અટવાઈ ગયા હોવાનું જાણવા મળે છે. પરિણામ જાહેર ન કરવા અને મતપેટીઓને સુરક્ષિત રાખવાના હાઈકોર્ટના આદેશને પગલે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વધુ કાનૂની ગૂંચવણમાં સપડાઈ છે અને આર્થિક બોજો વધી રહ્યો છે.
જજમેન્ટના ઇન્ટરપ્રિટેશનનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં
ચારેય ઉમેદવારોને અયોગ્ય ઠરાવવાના હાઈકોર્ટના ચૂકાદા બાદ બીસીએ દ્વારા ચૂકાદા અંગે સુપ્રીમ કોર્ટમાં ઈન્ટરપ્રિટેશન (ચૂકાદા/ નિર્ણય અંગે સ્પષ્ટતા) અરજી દાખલ કરાઈ છે. આ મામલે વધુ સુનાવણી આગામી ૮ સપ્ટેમ્બરે હાથ ધરાશે.
મતપેટી સાચવવા ૧૨ લાખ ખર્ચાયા!
મતપેટીની સુરક્ષા માટે ૨૪ કલાક બે પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. ઉપરાંત, સ્ટ્રોંગ રૃમના ભાડા સહિત અન્ય ખર્ચને કારણે બીસીએને દર મહિને રૃા. બે લાખનો ખર્ચ થઈ રહ્યો છે. પારદર્શિતા જળવાઈ રહે તે માટે બે નિવૃત્ત મામલતદારોની પણ નિમણૂક કરાઈ છે.
ચૂંટણીમાં 'કૂલિંગ ઓફ પિરિયડ'નો વિવાદ
ચૂંટણી દરમિયાન 'કૂલિંગ ઓફ પિરિયડ'ના મુદ્દે પ્રમુખપદ સહિતના ચાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવવા અંગેની વાંધા અરજી અંગે ગુજરાત હાઇકોર્ટે ચારેય ઉમેદવારોને અયોગ્ય ઠેરવતો ચૂકાદો જાહેર કર્યો છે. બંધારણ મુજબ કોઈ હોદ્દેદાર સતત બે ટર્મ(કુલ ૬ વર્ષ) સુધી પદ પર રહી શકે છે. ત્યારબાદ તેને માટે ત્રણ વર્ષનો કૂલિંગ પિરિયડ ફરજિયાત છે.




