નોકરીના બહાને ઠગાઈમાં આરોપીના જામીન રદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રેલવેમાં નોકરીના બહાને ૧૧૦ લોકો પાસેથી રૃા.૫૮.૯૮ લાખ પડાવી લેવાના બનાવમાં મકરપુરા પોલીસ સ્ટેશને નોંધાયેલા ઠગાઈના ગુનામાં સંડોવાયેલા આરોપી આકાશ સંજય ચૌહાણ (રહે. દંતેશ્વર)ની રેગ્યુલર જામીન અરજી અત્રેની સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.
ફરિયાદ મુજબ, આરોપી આકાશ ચૌહાણે ડિસેમ્બર ૨૦૨૫થી મે ૨૦૨૬ દરમિયાન ફરિયાદી સહિત કુલ ૧૧૦ લોકો પાસેથી પ્રતાપનગર સ્થિત ડીઆરએમ ઓફિસ ખાતે આવેલા રેલવે વર્કશોપમાં કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી અપાવવાના બહાને કુલ રૃા. ૫૮.૯૮ લાખની રકમ પડાવી હોવાનો આરોપ છે.
આરોપીએ ગ્રામીણ વિસ્તારના બેરોજગાર યુવાનોને ભોગ બનાવ્યા છે. ભોગ બનનારાઓને રેલવે વર્કશોપમાં બોલાવી જુદા જુદા ડિપાર્ટમેન્ટની વિઝિટ કરાવી, અને કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડના બનાવટી ઓફર લેટર તૈયાર કરી તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે.
તપાસમાં પ્રથમ દર્શનીય પુરાવા મળ્યા મુજબ, ભોગ બનનારાઓએ કુલ રૃપિયા ૩૩.૭૦ લાખ આરોપીના બેન્ક ખાતામાં ઓનલાઈન તેમજ રોકડ સ્વરૃપે ચૂકવ્યા છે. આ કેસમાં કોંકણ રેલવેના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપનાર પવાર નામનો શખ્સ હજુ ફરાર છે.
કોર્ટે નોંધ્યું કે આરોપીએ બેરોજગાર યુવાનોને પોતાનો શિકાર બનાવી વ્હાઇટ કોલર ક્રાઇમ આચર્યો છે.









