ગોધરાની પોલીસ ચોકી સળગાવવાના ગુજસીટોક કેસમાં આરોપીને જામીન નામંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Court : વડોદરાના સ્પેશિયલ જજ (ગુજસીટોક)ની કોર્ટમાં ગોધરાના મુસ્લિમ સોસાયટી વિસ્તારમાં રહેતા આરોપી રૂહુલઅમીન અબ્દુલરજાક દુર્વેશ દ્વારા રજૂ કરવામાં આવેલી નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. આરોપી સામે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધાયો છે અને તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આરોપીની જામીન અરજીનો વિરોધ કરતાં તપાસ અધિકારીએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ટોળકી દ્વારા ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટ તરીકે સંગઠિત રીતે ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ટોળકી દ્વારા કુલ 19 ગુના સંયુક્ત રીતે આચરવામાં આવ્યા હોવાનું સોગંદનામામાં જણાવાયું હતું.
સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ દલીલ કરતાં જણાવ્યું હતું કે આરોપીનો ગુનામાં એક્ટિવ રોલ પ્રથમદર્શનીય રીતે પુરવાર થાય છે. આ કેસમાં છ આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ગોધરાની પોલીસ ચોકી નંબર 3-4 ઉપર હુમલો કરી 200થી 250 લોકોના ટોળાએ આગ લગાવી સરકારી દસ્તાવેજો તથા પોલીસ તપાસના કાગળોને નુકસાન પહોંચાડ્યું હોવાનો આરોપ છે. આ ઉપરાંત ચોકીમાંથી વસ્તુઓ લૂંટી ગયાની બાબતે પણ આરોપી સામે ગુનો નોંધાયો હોવાનું કોર્ટના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું.
દલીલ દરમિયાન એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે ટોળકીના કોઈ એક સભ્ય સામે એકથી વધુ ચાર્જશીટ થઈ હોય તો પણ ગુજસીટોક એક્ટની જોગવાઈ લાગુ પડી શકે છે.
સ્પેશિયલ જજ ભૂપેન્દ્રકુમાર જી.દવેએ હુકમમાં નોંધ્યું હતું કે તપાસ અધિકારીના સોગંદનામામાં આરોપીના ચાર ગુનાઓ દર્શાવવામાં આવ્યા છે અને તેમાં આરોપીનો રોલ પણ દર્શાવવામાં આવ્યો છે. વધુમાં સહઆરોપી ઇમ્તિયાઝ સુરતી પાસેથી ગૌવંશની કતલ સાથે સંકળાયેલા હોવાનું જણાય તેવા લોહીના નિશાન, ચામડા અને પગના હાડકાં સહિતની વસ્તુઓ મળી આવી હોવાની નોંધ પણ કરવામાં આવી હતી.
કોર્ટના મત મુજબ આરોપી જામીન ઉપર મુક્ત કરવા પડે તેવા કેસમાં આવતો નથી. આ સંજોગોમાં આરોપીને જામીન ઉપર મુક્ત કરવો ન્યાયોચિત ન જણાતાં નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.
2020થી 2025 દરમિયાન સંગઠિત ગુનાઓ આચર્યા
ફરિયાદની વિગત મુજબ વર્ષ 2020થી 2025 દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા, વેજલપુર અને હાલોલ વિસ્તારમાં ટોળકીના સભ્યો ઇમ્તિયાઝ ઉર્ફે ભોપાલી, અલમાસ ઉર્ફે અલ્લુ બોય, સલમાન ઉર્ફે કાનકટ્ટો, મોહસીન ઉર્ફે મોહસીન પૌવા અને સુફિયાન ઉર્ફે આંતડિયો (તમામ રહે. ગોધરા) દ્વારા ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટ સક્રિય કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
ગૌવંશની ચોરી કરી ગૌમાંસ વેચાણનું નેટવર્ક વિસ્તાર્યું
ફરિયાદ મુજબ ટોળકીના સભ્યો રાત્રિના સમયે ગાય તથા ગૌવંશની ચોરી કરતા હતા. પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધી ફોરવ્હીલર અથવા અન્ય વાહનોમાં લઈ જવામાં આવતા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ ગૌમાંસનું ગેરકાયદે વેચાણ કરવા માટે વ્યવસ્થિત નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
પોલીસ પકડવા આવે તો હુમલો કરવાની ટેવ
ફરિયાદ મુજબ પોલીસ ટોળકીના સભ્યોને પકડવા આવે ત્યારે તેઓ હિંસક હુમલો કરતા હતા. પુરાવા હાથ ન લાગે તે માટે સરકારી વાહનો અથવા સરકારી મિલકતમાં આગ લગાવી ગુના આચરતા હોવાનો પણ આક્ષેપ છે. ટોળકી વિરુદ્ધ અવાજ ઉઠાવનાર લોકોને દબાણમાં લેતા હોવાનો ઉલ્લેખ છે. તપાસમાં ટોળકીના સભ્યો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય અને હિંસક સ્વભાવ ધરાવતા હોવાનું પણ જણાવાયું છે.









