Baroda

ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં સજા અંગે કોર્ટમાં દલીલો પૂર્ણ : પાંચેય આરોપી દોષિત : 31 ઓગસ્ટે કોર્ટ ચુકાદો જાહેર કરે તેવી શક્યતા

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં પાંચેય આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. 25 ઓગસ્ટે સજા અંગે બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ હતી. સરકારી પક્ષે આજીવન કેદની સજાની માંગ કરી છે. 4 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રી દરમિયાન ભાયલીમાં 16 વર્ષીય સગીરા પર આ દુષ્કર્મ થયું હતું. હવે 31 ઓગસ્ટે વધુ સુનાવણી બાદ સજાનો ચુકાદો જાહેર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં સજા અંગે કોર્ટમાં દલીલો પૂર્ણ : પાંચેય આરોપી દોષિત : 31 ઓગસ્ટે કોર્ટ ચુકાદો જાહેર કરે તેવી શક્યતા

Vadodara News : રાજ્યભરમાં ચકચાર જગાવનારા ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં તમામ પાંચ આરોપીઓને કોર્ટ અગાઉ સામૂહિક દુષ્કર્મના ગુનામાં દોષિત ઠેરવી ચૂકી છે. આરોપીઓને કેટલી સજા કરવી તે અંગે આજે, 25 ઓગસ્ટે, કોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળવામાં આવી હતી. સરકારી પક્ષે કેસની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને જીવે ત્યાં સુધીના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવાની માગ કરી છે.
સરકારી પક્ષે દલીલ કરી હતી કે તપાસ એજન્સી દ્વારા કેસ નિઃશંકપણે પુરવાર કરવામાં આવ્યો છે અને ગુનાની ગંભીરતા તથા ઘટનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. સજા અંગેની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. હવે કોર્ટ દ્વારા 31 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે અને ત્યારબાદ સજા અંગેનો ચુકાદો જાહેર થવાની શક્યતા છે.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કેસમાં મુખ્ય સરકારી વકીલ તરીકે અનિલ દેસાઈ ઉપરાંત સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે શૈલેષ પટેલ તથા સુરતના ડીજીપીની પણ નિમણૂક કરવામાં આવી હતી. હવે સજા અંગેની દલીલો પૂર્ણ થયા બાદ 31 ઓગસ્ટની સુનાવણી પર સમગ્ર રાજ્યની નજર રહેશે.
નવરાત્રીની રાત્રે સગીરા પર સામૂહિક દુષ્કર્મ
આ ચકચારી ઘટના 4 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રીના બીજા નોરતે રાત્રિના સમયે ભાયલી વિસ્તારમાં બની હતી. 16 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે ભાયલી-બીલ ટીપી રોડ પર આવેલી અવાવરું જગ્યાએ બેઠી હતી. દરમિયાન બે મોટરસાઇકલ પર પાંચ આરોપીઓ ત્યાં પહોંચ્યા હતા.
આરોપીઓએ સગીરાના મિત્રને બંધક બનાવી તેની સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ ત્રણ આરોપીઓએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ સગીરાના મિત્રની હાજરીમાં જ આ કૃત્ય આચર્યું હતું. બાદમાં સગીરાના મિત્રનો મોબાઇલ ફોન લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેથી તે તાત્કાલિક મદદ માગી ન શકે.
ટેકનિકલ સર્વેલન્સ અને CCTVથી આરોપીઓ ઝડપાયા
ઘટના બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. તપાસના આધારે મુખ્ય આરોપી મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા અને શાહરૂખ કિસ્મતઅલી બનજારા ઉપરાંત મદદગારી કરનાર સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની હોવાનું અને વડોદરામાં મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું હતું.