Baroda

શૈક્ષણિક વર્ષ શરુ થયાના દોઢ મહિના બાદ 433 ખાલી જગ્યાઓ પર જ્ઞાાન સહાયકોની નિમણૂંક

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરાની ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી 433 શિક્ષક જગ્યાઓ જ્ઞાન સહાયકથી ભરવા કવાયત શરૂ થઈ છે. DEO કચેરી દ્વારા યોજાયેલા પ્રથમ રાઉન્ડમાં 200 ઉમેદવારોને નિમણૂક અપાઈ. હજુ 233 જગ્યાઓ ખાલી હોવાથી આગામી સમયમાં વધુ રાઉન્ડ યોજાશે. ટેટ પાસ ન હોય તેવા B.Ed/M.Ed ઉમેદવારોને પણ તક અપાશે. અંગ્રેજી માધ્યમની શાળાઓ માટે માત્ર 5 ઉમેદવારો મળ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

શૈક્ષણિક વર્ષ શરુ થયાના દોઢ મહિના બાદ 433 ખાલી જગ્યાઓ પર જ્ઞાાન સહાયકોની નિમણૂંક

વડોદરા શહેર જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ખાલી ૪૩૩ જગ્યાઓ જ્ઞાાન સહાયક વડે ભરવા માટે શૈક્ષણિક વર્ષ શરુ થયાના દોઢ મહિના પછી કવાયત શરુ કરાઈ છે.
આ માટે પ્રિલિમ અને ફાઈનલ એમ બંને ટેટ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો માટેના કેમ્પનો પહેલો રાઉન્ડ ડીઈઓ કચેરી દ્વારા આજે યોજાયો હતો અને તેમાં ૨૦૦ ઉમેદવારોને જ્ઞાાન સહાયકો તરીકે નિમણૂક આપવામાં આવી હતી.જોકે હજી ૨૩૩ જગ્યાઓ ખાલી છે એટલે એક સપ્તાહમાં નિમણૂક માટે બીજા બે રાઉન્ડ યોજવામાં આવશે.
એ પછી પણ જગ્યાઓ ખાલી રહેશે તો જૂની સિસ્ટમ પ્રમાણે એક ટેટ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને પણ તક આપવામાં આવશે.સૂત્રોનું કહેવું છે કે, ટેટ પરીક્ષા પાસ કરનારાઓથી પણ જગ્યાઓ ના ભરાય તો ટેટ પરીક્ષા પાસ ના કરી હોય પણ બીએડ કે એમએડની ડિગ્રી હોય તેવા ઉમેદવારોને પણ તક આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ખાલી જગ્યાઓ પહેલા પ્રવાસી શિક્ષકોથી ભરવામાં આવતી હતી.તેમને લેકચર દીઠ પૈસા અપાતા હતા.હવે જ્ઞાાન સહાયકોની ૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ પર પગાર આધારિત નિમણૂક કરવામાં આવે છે.તેમને મહિને ૨૪૦૦૦ રુપિયા સુધીનો પગાર આપવામાં આવે છે.

અંગ્રેજી માધ્યમની સ્કૂલો માટે માત્ર પાંચ ઉમેદવારો મળ્યા
પહેલા રાઉન્ડમાં જે ૨૦૦ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે તેમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલો માટે માત્ર પાંચ જ ઉમેદવારોનો સમાવેશ થાય છે.સૂત્રોનું કહેવું છે કે, અંગ્રેજી માધ્યમની ગ્રાન્ટેડ સ્કૂલો માટે જ્ઞાાન સહાયકો મળતા નથી.કારણકે અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલો ટેટ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને સારો પગાર ઓફર કરે છે.વડોદરા શહેર જિલ્લામાં અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ૬૦ જેટલી જગ્યાઓ ખાલી છે.જેને ધ્યાનમાં રાખીને જ જરુર પટે તો ટેટ પરીક્ષા પાસ કર્યા વગરના ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.