Baroda

લવ જેહાદનો કેસ બનતો હોવાનું જણાવી બે લાખની લાંચ માગનારા PI ચારણની આગોતરા જામીન અરજી રદ

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં લવ જેહાદનો કેસ બનાવવાની ધમકી આપી, ₹2 લાખની લાંચ માંગનાર PI ચારણની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. પાદરા પોલીસ સ્ટેશનમાં કપલના ઝઘડા બાદ PI વિજયકુમાર ચારણે વચેટિયા મારફતે લાંચ માંગી હતી. કોર્ટે ભ્રષ્ટાચારને દેશના વિકાસને અવરોધતો ગુનો ગણી, આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી હોવાનું જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

લવ જેહાદનો કેસ બનતો હોવાનું જણાવી બે લાખની લાંચ માગનારા PI ચારણની આગોતરા જામીન અરજી રદ

Vadodara Love Jihad Case : વડોદરામાં લવ જેહાદના નામે કેસ નોંધવાની ધમકી બાદ લાંચ માગવા મામલે કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભાળાવ્યો છે. લવ જેહાદનો કેસ બનતો હોવાનું જણાવી વચેટીયા મારફતે રૂ.2 લાખની લાંચની માગણી કરનારા પીઆઈ ચારણની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, ભ્રષ્ટાચાર એ વ્હાઇટ કોલર ક્રાઇમ છે જે દેશના આર્થિક વિકાસને રૂંધે છે, અને આ કેસની યોગ્ય તપાસ માટે આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન અત્યંત જરૂરી છે.

નજીવી બાબતના ઝઘડામાં પીઆઈએ આપી લવ જેહાદના કેસની ધમકી
કેસની વિગત એવી છે કે, તા.9 એપ્રિલના રોજ નજીવી બાબતે કપલ વચ્ચે ઝઘડો થતાં બંને પાદરા પોલીસ સ્ટેશન ગયા હતા. પોલીસે આ બનાવમાં અટકાયતી પગલાં ભર્યા હતા અને ત્યાર બાદ પીઆઈ વિજયકુમાર અંબાદાન ચારણે આ કેસમાં લવ જેહાદનો ગુનો બનતો હોવાની ધમકી આપી, કાયદેસરની કાર્યવાહી ન કરવા બદલ સાજીદઅલી સૈયદને મળી લેવાનું કહ્યું હતું. ફરિયાદી સાજીદઅલીને મળતા તેણે શરૂઆતમાં રૂ.6,00,000 ની માગણી કરી હતી, જો કે, રકઝકના અંતે રૂ.2,00,000 નક્કી થઈ હતી અને એસીબીએ છટકું ગોઠવી સાજીદઅલી સૈયદને લાંચની રકમ સાથે ઝડપી પાડ્યો હતો.

હોદ્દાનો દુરુપયોગ અને પુરાવા સાથે ચેડાં થવાની સરકારી વકીલની આશંકા
આ ગુનામાં હાલ ફરાર પીઆઈ વી.એ.ચારણે આગોતરા જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈએ રજૂઆત કરી હતી કે, ઓડિયો રેકોર્ડિંગમાં આરોપીની સક્રિય ભૂમિકા જણાઈ રહી છે. જો તેમને જામીન આપવામાં આવશે તો પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી પુરાવા સાથે ચેડાં કરી શકે છે.

ઓડિયો રેકોર્ડિંગના પુરાવાના આધારે જામીન અરજી નામંજૂર
ન્યાયાધીશે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી અને ચુકાદામાં નોંધ્યું હતું કે, લાંચની માંગણીના ફોરેન્સિક પુરાવા અને ઓડિયો રેકોર્ડિંગ પરથી આરોપીની પ્રથમ દર્શનીય સંડોવણી જણાઈ રહી છે.