Baroda

અમૃત ભારત સ્ટેશન યોજના : 72 કરોડના ખર્ચે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું આધુનિક રૂપાંતર

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું. 72 કરોડના ખર્ચે વિકસેલા આ સ્ટેશનથી વડોદરા જંક્શન પર ટ્રાફિકનું ભારણ ઘટશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતાપનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. 146 વર્ષ જૂનું આ સ્ટેશન હવે સેટેલાઇટ સ્ટેશન તરીકે કાર્યરત થશે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓને પણ સુવિધા આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમૃત ભારત સ્ટેશન યોજના : 72 કરોડના ખર્ચે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું આધુનિક રૂપાંતર

Vadodara : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત પ્રતાપનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લેશે. 72 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવાયેલા પ્રતાપનગર રેલવે સ્ટેશનના લોકાર્પણ સાથે વડોદરાના રેલવે માળખાકીય વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સોપાન ઉમેરાશે.
વડોદરા જંક્શનથી અંદાજે સાત કિલોમીટર દૂર આવેલું પ્રતાપનગર રેલવે સ્ટેશન સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. ભવિષ્યમાં લાંબા અંતરની ટ્રેનોના સંચાલનમાં આ સ્ટેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેના કારણે પશ્ચિમ રેલવેના સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંના એક વડોદરા જંક્શન પર મુસાફરોની ભીડ અને ટ્રાફિકનું દબાણ ઘટાડવામાં મદદ મળશે. ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓને પણ વધુ સુવિધાજનક રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરમાં પુનઃ વિકસિત કરાયેલા 75 રેલવે સ્ટેશનોમાં પ્રતાપનગરનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આજે લોકાર્પણ થનારા ચાર સ્ટેશનોમાં પ્રતાપનગર પણ સામેલ છે. રાજ્યમાં કુલ 87 રેલવે સ્ટેશનોનો આ યોજના હેઠળ તબક્કાવાર પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ વર્ષ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના 18 પુનઃ વિકસિત અમૃત ભારત સ્ટેશનો દેશને સમર્પિત કર્યા હતા.
પ્રતાપનગર રેલવે સ્ટેશનનો ઇતિહાસ પણ ગૌરવશાળી રહ્યો છે. વર્ષ 1880માં સ્થાપિત આ 146 વર્ષ જૂનું સ્ટેશન એક સમયે ગુજરાતના નેરોગેજ રેલવે નેટવર્કનું મુખ્ય કેન્દ્ર હતું. પ્રદેશમાં રેલવે કનેક્ટિવિટી વધારવા તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા આ સ્ટેશને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
પુનઃ વિકાસ અંતર્ગત સ્ટેશનના વર્તમાન ભવનનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. મુસાફરોની અવરજવરને વધુ સરળ બનાવવા માટે બીજા પ્રવેશદ્વાર તરફ નવી સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેશન પર ત્રણ લિફ્ટ, બે રેમ્પ, 12 મીટર પહોળો આધુનિક ફૂટ ઓવર બ્રિજ, વિશાળ સર્ક્યુલેટિંગ એરિયા તેમજ વિસ્તૃત પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવી છે. દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો અને સામાન્ય મુસાફરોને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.