Baroda

ઝાડી-ઝાંખરામાં બે-ત્રણ મહિનાથી ગાડી સ્ટેન્ડબાય રહેતી હોવાનો આક્ષેપ : ગાડીની એન્ટ્રી અને વાસ્તવિક સ્થળની તપાસ કરવાની માંગ

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ફાયર વિભાગની કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા છે. નવલખી મેદાનમાં છેલ્લા 2-3 મહિનાથી એક ફાયર ગાડી ઝાડી-ઝાંખરામાં ઊભી રહેતી હોવાના આક્ષેપો થયા છે. આ ગાડી વડીવાડી ફાયર સ્ટેશનની હોવાનું કહેવાય છે. ગાડી નવલખીમાં શા માટે રાખવામાં આવે છે, તેની તપાસની માંગ ઉઠી છે. ઇંધણ વપરાશ અને ગાડીના અંતરની પણ તપાસ જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝાડી-ઝાંખરામાં બે-ત્રણ મહિનાથી ગાડી સ્ટેન્ડબાય રહેતી હોવાનો આક્ષેપ : ગાડીની એન્ટ્રી અને વાસ્તવિક સ્થળની તપાસ કરવાની માંગ

Vadodara Fire Brigade : વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગની કામગીરી સામે ફરી સવાલો ઉઠ્યા છે. ફાયર વિભાગની એક ગાડી છેલ્લા બે-ત્રણ મહિનાથી નવલખી મેદાનના કમ્પાઉન્ડમાં ઝાડી-ઝાંખરામાં ઊભી રહેતી હોવાના આક્ષેપો થયા છે. આ ગાડી વડીવાડી ફાયર સ્ટેશનની હોવાનું જણાવાઈ રહ્યું છે. ત્યારે ફાયર સ્ટેશનમાં રહેવાને બદલે ગાડી નવલખી કમ્પાઉન્ડમાં કયા કામે ઊભી રાખવામાં આવે છે તે અંગે તપાસની માગ ઉઠી છે.
એક જાગૃત નાગરિકના આક્ષેપ મુજબ ગાડીની સ્ટેશન બહાર નીકળતી વખતે બદામડી બાગ ઓફિસ ખાતે નોંધ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે ગાડી નવલખી કમ્પાઉન્ડમાં ઊભી જોવા મળે છે. જેના કારણે ગાડીની દૈનિક એન્ટ્રી, બહાર નીકળવાનો સમય, ગાડીના ચાલેલા અંતર અને તે દરમિયાન થયેલા ડીઝલ-પેટ્રોલના વપરાશની તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.
આ ગાડીના સંચાલનને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વિભાગના એક સબ ફાયર ઓફિસરને ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું અને તેમના દ્વારા કંડક્ટરને ગાડી ચલાવવાની સૂચના આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કંડક્ટરની મૂળ ફરજ ફાયર વાહન ચલાવવાની ન હોય તો તેમને ગાડી ચલાવવાની જવાબદારી કેવી રીતે સોંપવામાં આવી તે અંગે પણ તપાસ જરૂરી હોવાની માગ કરાઈ છે.
ફાયર વિભાગની ગાડીઓના હલનચલન સાથે સીધો સંબંધ ધરાવતા ઇંધણના વપરાશના રેકોર્ડની પણ ચકાસણી કરવાની માગ કરવામાં આવી છે. ગાડી સ્ટેશનમાંથી બહાર નીકળ્યાની નોંધ અને વાસ્તવિક સ્થળ વચ્ચે કોઈ વિસંગતતા છે કે કેમ તે જાણવા માટે વાહનની નોંધપોથી, ઇંધણનો જથ્થો અને ગાડીના અંતરની વિગતનું સરખામણીપૂર્વક ઓડિટ કરવાની માગ ઉઠી છે.
ફાયર વિભાગમાં વિવાદાસ્પદ મામલાઓમાં માત્ર એક ફાયર સ્ટેશનમાંથી બીજા ફાયર સ્ટેશનમાં બદલી કરવાની કાર્યવાહી થતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદકર્તાઓનું કહેવું છે કે જો ગંભીર ગેરરીતિ સાબિત થાય તો માત્ર બદલી કરવાને બદલે જવાબદારી નક્કી કરીને નિયમ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ.
આ રજૂઆતમાં એક સબ ફાયર ઓફિસર ઉત્પલ પટેલ સામે અગાઉ પોલીસ ફરિયાદ થયેલા એક કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે પૈસાની લેવડદેવડના આક્ષેપમાં બે કર્મચારીઓ સામે થયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરીને ફાયર વિભાગની આંતરિક કામગીરી અને કર્મચારીઓ સામેની કાર્યવાહી અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.