Baroda

વડોદરા કોર્પોરેશનની જાહેરાતમાં ‘વિનામૂલ્યે’, તળાવ કિનારે શ્રીજી વિસર્જનના નામે રૂ.500 થી 800ની માંગણીનો આક્ષેપ

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશન દ્વારા ગણેશોત્સવમાં કૃત્રિમ તળાવોમાં શ્રીજી વિસર્જન વિનામૂલ્યે કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ, સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો છે કે, સ્થળ પર રૂ. 500 થી 800 લેવાય છે. મોંઘવારીમાં ભક્તો પાસેથી પૈસા લેવા યોગ્ય નથી. કોર્પોરેશન ભક્તો ખુશીથી પૈસા આપે છે તેમ કહી બચાવ કરી રહ્યું છે. આ મામલે તપાસની માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશનની જાહેરાતમાં ‘વિનામૂલ્યે’, તળાવ કિનારે શ્રીજી વિસર્જનના નામે રૂ.500 થી 800ની માંગણીનો આક્ષેપ

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશોત્સવ દરમિયાન કૃત્રિમ તળાવોમાં શ્રીજીની પ્રતિમાઓનું વિનામૂલ્યે વિસર્જન કરવાની જાહેરાત કરવામાં આવે છે. આ વર્ષે પણ કૃત્રિમ તળાવો ખાતે ‘વિનામૂલ્યે શ્રીજી વિસર્જન’ના બેનરો લગાવવામાં આવ્યા છે. જોકે, સ્થળ પર પ્રતિમા વિસર્જન માટે રૂ. 500થી 800 સુધીની રકમ માંગવામાં આવતી હોવાનો સામાજિક કાર્યકરે આક્ષેપ કરતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
સામાજિક કાર્યકરના જણાવ્યા મુજબ, મોંઘવારીના સમયમાં અનેક ભક્તોની આર્થિક સ્થિતિ કપરી છે. આવા સંજોગોમાં કોર્પોરેશન દ્વારા વિનામૂલ્યે વિસર્જનની જાહેરાત કરવામાં આવ્યા બાદ સ્થળ પર પૈસાની માંગણી કરવામાં આવે તે યોગ્ય નથી. જો વિસર્જન માટે નાણાં લેવામાં આવતા હોય તો કોર્પોરેશને જાહેરમાં વિનામૂલ્યે વિસર્જનની જાહેરાત ન કરવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે.
આક્ષેપ મુજબ દર વર્ષે કૃત્રિમ તળાવ ખાતે શ્રીજીની પ્રતિમા વિસર્જન દરમિયાન તરવૈયાઓ દ્વારા ભક્તો પાસેથી નાણાં માંગવામાં આવે છે. તંત્રની નજર સમક્ષ આવી ઉઘરાણી થતી હોવા છતાં તેને નજરઅંદાજ કરવામાં આવતી હોવાની ચર્ચા છે. બીજી તરફ, કોર્પોરેશન તરફથી ભક્તો પોતાની ખુશીથી નાણાં આપતા હોવાનો બચાવ કરવામાં આવે છે. જોકે, સામાજિક કાર્યકરે આ દાવા સામે સવાલ ઉઠાવી વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરવાની માગ કરી છે.
સામાજિક કાર્યકરે કૃત્રિમ તળાવ ખાતે કેટલા તરવૈયાઓને ફરજ સોંપવામાં આવી છે, તેમની પસંદગી કયા માપદંડ અને શરતોના આધારે કરવામાં આવી છે તથા વિસર્જન કામગીરી અંગે તેમને શું સૂચનાઓ આપવામાં આવી છે તેનો પણ ખુલાસો કરવાની માગ કરી છે.