Baroda

જન્મ તારીખમાં છેડછાડ કરી દુષ્કર્મના ગુનાની સજામાંથી બચવાનો આરોપીનો પ્રયાસ નિષ્ફળ : કોર્ટે તપાસનો આદેશ કર્યો

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં 6 વર્ષ પહેલા સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીએ પોતાને સગીર ગણાવી જુવેનાઈલ કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરાવવા અરજી કરી હતી. જોકે, તપાસમાં તેના આધારકાર્ડની જન્મતારીખમાં છેડછાડ થયાનું બહાર આવ્યું. ન્યાયાધીશે અરજી નામંજૂર કરી, આરોપીને પુખ્ત ગણાવ્યો અને નકલી દાખલો કઢાવનાર સામે ફોજદારી કેસ નોંધવાનો આદેશ કર્યો. પોલીસે આ અંગે વધુ તપાસ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જન્મ તારીખમાં છેડછાડ કરી દુષ્કર્મના ગુનાની સજામાંથી બચવાનો આરોપીનો પ્રયાસ નિષ્ફળ : કોર્ટે તપાસનો આદેશ કર્યો

Fake Birth Certificate: છ વર્ષ પહેલાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપી સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ, આ આરોપીએ બનાવ સમયે પોતે સગીર હોવાનું જણાવી તેની સામેનો કેસ જુવેનાઇલ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની દાદ માગી હતી. જોકે, તપાસમાં આરોપીએ રજૂ કરેલા આધારકાર્ડની જન્મતારીખમાં છેડછાડ કરી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવતાં ન્યાયાધીશે અરજી નામંજૂર કરી હતી અને પોલીસે જન્મતારીખમાં થયેલી છેડછાડ અંગે તપાસનો આદેશ કર્યો હતો.

વડોદરા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સગીર હોવાનો દાવો

કેસની વિગત એવી છે કે, આરોપી સામે વર્ષ 2021માં અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો અને આ કેસ હાલ વડોદરાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો છે. કેસની સુનાવણી દરમિયાન આરોપી ઇલીયાસ (નામ બદલ્યું છે) એ દાદ માગી હતી કે, ગુનાના સમયે તેની ઉંમર 17 વર્ષ અને 4 મહિના હતી. તેથી તે કાયદાની દ્રષ્ટિએ સગીર હોવાથી તેનો કેસ વધુ સુનાવણી માટે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવે. આ દાવો સાબિત કરવા તેણે કોર્ટમાં જન્મતારીખ (01-01-2004) દર્શાવતો રાજસ્થાનનો જન્મનો દાખલો રજૂ કર્યો હતો.

આધારકાર્ડમાં છેડછાડ કરી નકલી દાખલો બનાવ્યો

અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પી.સી. પટેલે દલીલ કરી હતી કે, અટકાયત સમયે આરોપીના આધારકાર્ડમાં જન્મતારીખ 1 જાન્યુઆરી 2002 હતી, એટલે કે આરોપીની ઉંમર 19 વર્ષ હતી. તપાસ અધિકારીએ રાજસ્થાન સ્થિત આરોપીના ગામે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, ગુનો નોંધાયાના 5 વર્ષ બાદ અને ધરપકડ પછી 18-02-2026ના રોજ આરોપીના પિતાએ આધારકાર્ડની તારીખમાં છેડછાડ કરી આ નકલી દાખલો કઢાવ્યો હતો.

માત્ર આધારકાર્ડના આધારે કઢાવેલો દાખલો અમાન્ય

અદાલતમાં બંને પક્ષની દલીલો બાદ સ્પષ્ટ થયું હતું કે, માત્ર આધારકાર્ડ અને એફિડેવિટના આધારે ખોટી રીતે જન્મનો દાખલો મેળવવામાં આવ્યો છે. અન્ય કોઈ દસ્તાવેજ રજૂ કરાયા ન હતા અને માત્ર આધારકાર્ડના આધારે કઢાવેલો જન્મનો દાખલો ઉંમર સાબિત કરવા માટે માન્ય દસ્તાવેજ ગણાતો નથી. ન્યાયાધીશે બંને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાને લઈ અરજી નામંજૂર કરી હતી અને ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી પુખ્ત વયનો છે અને તેણે બનાવટી દાખલો રજૂ કરી કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.

બનાવટી દસ્તાવેજ મામલે નવો ફોજદારી કેસ નોંધવા આદેશ

ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરતાં ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી પક્ષે પોતાને સગીર સાબિત કરવા માટે આધારકાર્ડની તારીખમાં છેડછાડ કરીને છેતરપિંડીથી જન્મનો દાખલો મેળવ્યો છે. બનાવટી દસ્તાવેજ ઊભો કરવાની આ ગંભીર બાબતને ધ્યાને લઈ ન્યાયાધીશે તપાસ અધિકારીને આ સમગ્ર કૌભાંડ અંગે વધુ તપાસ કરવા અને છેતરપિંડી સાબિત થાય તો સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી અલગથી નવો ફોજદારી કેસ નોંધવાનો પણ આદેશ કર્યો હતો.