Baroda

વડોદરામાં 15 વર્ષીય સગીરાના અપહરણ બાદ દુષ્કર્મના મામલે આરોપીને 20 વર્ષની કેદની સજા

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર મેહુલ નાયકને સાવલી કોર્ટે 20 વર્ષની સખત કેદ અને 5 હજાર દંડ ફટકાર્યો. આરોપી સગીરાને સુરેન્દ્રનગર અને વાઘોડિયા GIDC પાસે લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. કોર્ટે પીડિતાને 6 લાખ વળતર ચૂકવવા પણ આદેશ કર્યો. આ ઉપરાંત, અન્ય એક સગીરા સાથે દુષ્કર્મ કરનાર પંકજ ડાવરને પણ 20 વર્ષની સજા અને 5 લાખ વળતરનો આદેશ થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં 15 વર્ષીય સગીરાના અપહરણ બાદ દુષ્કર્મના મામલે આરોપીને 20 વર્ષની કેદની સજા

Vadodara Crime News : લગ્નના ઇરાદે 15 વર્ષની સગીરાનું અપહરણ કર્યા બાદ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને કસુરવાર ઠેરવી અદાલતે 20 વર્ષની સખ્ત કેદ તેમજ 5 હજારનો દંડ ફટકાર્યો હતો.

કેસની વિગત એવી છે કે, વાઘોડિયા તાલુકામાં રહેતી 15 વર્ષીય સગીરાને આરોપી મેહુલભાઈ પ્રવિણભાઈ નાયક લગ્ન કરવાની લાલચ આપી તા.14ઓક્ટોબર 2025ના રોજ ભગાડી ગયો હતો. આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે,આરોપી સગીરાને સુરેન્દ્રનગરના ચુડા ગામે ખેતરમાં રાખી ત્યાં તેણે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો તેમજ વાઘોડિયા જી.આઈ.ડી.સી. નજીક તળાવડી પાસે પણ દુષ્કર્મ આચર્યું હતું.

આ અંગેનો કેસ સાવલી કોર્ટમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ સી.જી.પટેલે દલીલ કરી હતી કે, આરોપી સામેના ગંભીર ગુનાને ધ્યાને લઈ કડકમાં કડક સજા કરવી જોઇએ.  જ્યારે બચાવ પક્ષે ગરીબ પરિસ્થિતિ રજૂ કરી ઓછી સજાની માગ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન કુલ 12 સાક્ષીઓ અને 23 દસ્તાવેજી પુરાવા ચકાસવામાં આવ્યા હતા.તબીબી અધિકારીઓની સાક્ષી, મેડિકલ પુરાવા તેમજ ભોગ બનનારનું નિવેદન કેસની ખૂબ જ મહત્વની બાબત સાબિત થઈ હતી. 

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાન લઇ આરોપી મેહુલભાઈ પ્રવિણભાઈ નાયકને પોક્સો એક્ટ હેઠળ કસુરવાર ઠેરવી 20 વર્ષની સજાનો આદેશ કર્યો હતો, તેમજ પીડિતાના પુનઃસ્થાપન માટે 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપીએ કાયદેસરના વાલીપણામાંથી સગીરાને ભગાડી જઇ પરિસ્થિતિનો દુરુપયોગ કરી ગંભીર ગુનો આચર્યો છે. 

16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનારને 20 ની સજા

વાઘોડિયા તાલુકામાં રહેતી 16 વર્ષની સગીરાને ભગાડી જઇ તેની સાથે દુષ્કર્મ આચરનારા અન્ય એક આરોપીને પણ સાવલી કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.

કેસની વિગત એવી છે કે, આરોપી પંકજ તુલસીંગભાઇ ડાવર નામનો શખ્સ સગીરાને ભગાડી જતા આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાને લઇ આરોપીને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ કસુરવાર ઠેરવી સજા તેમજ દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશે પીડિતાને વળતર પેટે 5 લાખનું વળતર ચૂકવાવનો આદેશ કરી ચૂકાદામાં નોંધ્યું હતું કે, સગીરાની સંમતિ કાનૂની રીતે અમાન્ય છે અને આરોપી સામે ગુનો શંકારહિત સાબિત થાય છે.