ઓટો વર્કશોપમાં કામ કરતા યુવકને કરંટ લાગતા મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓટો વર્કશોપમાં કામ કરતા યુવકને કરંટ લાગતા તે ઢળી પડયો હતો.નજીકમાં કામ કરતા અન્ય કારીગરો પણ દોડી આવ્યા હતા. તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.
શહેર નજીકના દેણા ગામ લીમડી ફળિયામાં રહેતો અજય જગદીશભાઇ પરમાર, ઉં.વ.૩૦ નેશનલ હાઇવે પર વેમાલી ગામ ધારા પેટ્રોલ પંપ પાસે આવેલા આઇસર ઓટો વર્કશોપમાં છેલ્લા દોઢ વર્ષથી હેલ્પર તરીકે કામ કરતો હતો. આજે બપોરે તે વર્કશોપમાં કામ કરતો હતો. તે દરમિયાન અચાનક કરંટ લાગતા ગંભીર ઇજા થઇ હતી. તેેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. જે અંગે મંજુસર પોલીસે જણાવ્યું છે કે, કંપનીમાં કોઇ કેબલના કારણે તેને કરંટ લાગ્યો હોવાનું હાલના તબક્કે જણાઇ રહ્યું છે. આવતીકાલે શુક્રવારે પી.એમ. થયા પછી પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે. યુવકને કરંટ કઇ રીતે લાગ્યો, તેની તપાસ માટે એમ.જી.વી.સી.એલ.ની મદદ લેવામાં આવશે.
સામાન્ય રીતે દરેક સ્થળે એવી વ્યવસ્થા હોય છે કે, વીજ કરંટ લાગે ત્યારે તરત જ વીજ સપ્લાય કટ થઇ જતો હોય છે. તેવી વ્યવસ્થા આ વર્કશોપમાં પણ હતી કે કેમ, તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.









