વહેલી સવારે અટલાદરા પાદરા રોડ પર રોંગ સાઇડ આવતા ટ્રેલરે બાઇક સવાર યુવકને કચડી નાખ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વહેલી સવારે બાઇક લઇને નોકરી જતા યુવક પર અટલાદરા પાદરા રોડ પર રોંગ સાઇડ આવતા ટ્રેલરના પૈડાં ફરી વળતા તેનું સ્થળ પર જ કચડાઇ જવાથી મોત થયું હતું. પોલીસે ટ્રેલરના ડ્રાઇવરની ધરપકડ કરી છે.
હરણી રોડ હિરાનગરની પાછળ પ્રભુલી સોસાયટી વિભાગ - ૧ માં રહેતા શશીકાંતભાઇ દર્શનલાલ ગુપ્તા (ઉં.વ.૭૧) ની હાથીખાના માર્કેટમાં અનાજની દુકાન છે. તેમનો નાનો પુત્ર પ્રતીક (ઉં.વ.૪૦) દહેજ ખાતે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પ્રતીકની પત્ની મેઘાબેન કામ કરે છે. તેઓને સંતાનમાં ૬ વર્ષનો પુત્ર અને ૩ મહિનાની પુત્રી છે. પ્રતીક બાઇક પર અપડાઉન કરે છે. આજે સવારે તે ઘરેથી બાઇક લઇને નોકરી પર જવા નીકળ્યો હતો. સવા છ વાગ્યે તે અટલાદરા પાદરા રોડ પર બાન્કો કંપની નજીકથી પસાર થતો હતો. તે દરમિયાન બિલ રોડ તરફથી રોંગ સાઇડ આવેલું ટ્રેલર બાન્કો કંપનીના ગેટની અંદર જતું હતું. તે ટ્રેલરના ડ્રાઇવરની બેદરકારીના કારણે પ્રતીકને ટક્કર વાગતા તે રોડ પર ફંગોળાઇને પડયો હતો. ટ્રેલરના તોતિંગ પૈડાં તેના માથા પર ફરી વળતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. અટલાદરા પોલીસે ટ્રેલરના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.




