સેવાસીનો યુવાન ઘેર બેઠા કામની લાલચમાં ફસાયો હોટલનું રેટિંગ આપવાના બહાને સાયબર ઠગોએ ૨૨.૫૮ લાખ પડાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હોટલના રેટિંગ આપવાથી ઘેર બેઠા કમાણી થશે તેવી લાલચમાં ફસાયેલા સેવાસીના કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા વેપારીએ વિવિધ ટાસ્કમાં ફસાઇને રૃા.૨૨.૫૮ લાખ ગુમાવ્યા હતાં.
સેવાસી રોડ પર જૂની પ્રિયા ટોકિઝ પાછળ એન ક્રેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા હિતેન્દ્ર કોદરભાઇ જોષીએ જગદીશ રાણા, ટેલીગ્રામમાં એટ ધ રેટ અનન્યા મહેતા, દિયા, રાજેશ મન્ટોર નામનું આઇડી ધરાવતી વ્યક્તિઓ સહિત પાંચ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું કન્સ્ટ્રક્શનનો ધંધો કરું છું. તા.૪ જુલાઇના રોજ જગદીશ રાણાએ મને સોલ્યુશન સેન્ટ્રલ નામના ટેલીગ્રામ ગૃપમાં એડ કર્યો હતો બાદમાં અનન્યા આઇડી પરથી વ્યક્તિગત મેસેજ આવ્યો હતો જેમાં તમે હોટલોને રેટિંગ આપી ઘેર બેઠા કમાણી કરી શકો છો તેમ જણાવ્યું હતું.
ઘેર બેઠા કમાણી માટે મેં હા પાડી હતી જેથી તેણે હોટલને રેટિંગ અને રિવ્યૂ આપવા બાબતની ટેલીગ્રામની એક લિન્ક મોકલી હતી જેને ઓપન કરી રિવ્યૂ આપતા વળતર પેટે રૃા.૨૦૦ મળ્યા હતાં. બાદમાં મને ટાસ્ક આપતા હતા અને રૃપિયાની લેવડદેવડ કરવાની હતી જેથી શરૃઆતમાં હું રકમ આપું તો વધારે રકમ સાથે તે પરત મળતી હતી પરંતુ જ્યારે મોટી રકમ મારા એકાઉન્ટમાં દેખાઇ ત્યારે તે રકમ અનફ્રિઝ જણાઇ હતી.
આ રકમ અનફ્રિઝ કરવા માટે વધારે રકમ ભરવી પડશે, ક્રેડિટ સ્કોર ઓછો છે, તમારો ખાતા નંબર ખોટો છે તેમ કહી વધારાની રકમ ભરાવીને કુલ રૃા.૨૨.૫૮ લાખ પડાવ્યા હતાં. મારી સાથે ફ્રોડ થયું હોવાનું જણાતા મેં ૧૯૩૦ પર ફરિયાદ કરી હતી. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.




