વડોદરાના લીંબડી ત્રણ રસ્તા પર ભૂવો પડતાં શાકભાજીની લારી ખાબકી : લારીધારક કમરે દોરડું બાંધી શાકભાજી અને ગલ્લો કાઢવા ઉતર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ખોડીયાર નગર ખાતે લીંબડી ત્રણ રસ્તા પર અચાનક મોટો ભૂવો પડતાં શાકભાજીની લારી ભૂવામાં ખાબકી જતાં શાકભાજીનો જથ્થો તેમજ રૂપિયાનો ગલ્લો પણ ભૂવામાં પડી ગયો હતો. પોતાની લારીમાંથી પડેલું શાકભાજી અને ગલ્લો કાઢવા માટે લારીધારકને કમરે દોરડું બાંધીને જાતે જ ભૂવામાં ઉતરવાની ફરજ પડી હતી.
સ્થાનિકો પણ મદદે દોડી આવ્યા હતા ઉપરથી અંદાજે ત્રણ ફૂટ પહોળો દેખાતો ભૂવો અંદરથી આશરે 10 ફૂટ ઊંડો અને 10 ફૂટ પહોળો હોવાનું સામે આવ્યું હતું. આ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે રસ્તા પર ભૂવો પડ્યો હોવાની શક્યતા છે. ઘટનાની જાણ થતાં પણ તંત્રની રાહ જોવાને બદલે સ્થાનિકોએ જાતે જ રસ્તા પર બેરીકેડ મૂકીને વાહનચાલકોને ચેતવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરે પણ સમગ્ર કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
જાહેર રસ્તા પર 10 ફૂટ ઊંડો ભૂવો પડી જાય અને તેની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી પણ સ્થાનિકોએ જ નિભાવવી પડે તે સ્થિતિ તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. વર્ષોથી નાગરિકો પાસેથી વેરો વસૂલવામાં આવે છે ત્યારે બદલામાં સુરક્ષિત રસ્તા અને યોગ્ય માળખાકીય સુવિધા ક્યારે મળશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.
લારીધારકની લારી તથા શાકભાજીનો જથ્થો ભૂવામાં ખાબકતાં થયેલા નુકસાનની જવાબદારી કોણ લેશે? મહાનગરપાલિકા તાત્કાલિક ભૂવો પૂરી દે તે પૂરતું નથી, પરંતુ ભૂવો કયા કારણોસર પડ્યો, ડ્રેનેજની કામગીરીમાં શું ખામી રહી અને આ ઘટનામાં જવાબદારી કોની છે તેની તપાસ કરીને હકીકત જાહેર કરવાની પણ માગ ઉઠી છે.




