ધોરણ-5ના બે વિદ્યાર્થીને બે વર્ષ સુધી ફેઇલ કરનાર પાદરાની સરકારી શાળાનો શિક્ષક સસ્પેન્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની સ્કૂલોમાં ચાલતા અંધેરના કિસ્સાઓ ચર્ચાના કેન્દ્રમાં રહેતા હોય છે.પાદરા તાલુકામાં પંચાયતની પ્રાથમિક સ્કૂલના એક શિક્ષક સામે થયેલા ગંભીર આક્ષેપોની તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો ખૂલતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ,પાદરા નગરની એસ પી શ્રોફ પ્રાથમિક સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક રાધેકૃષ્ણ પટેલ સામે કેટલાક ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ કરવામાં આવી હતી.જેમાં ધોરણ-૫ના બે વિદ્યાર્થીઓને બે વર્ષથી એક જ વર્ગમાં રાખી મૂકવામાં આવ્યા હોવાની ગંભીર રજૂઆત પણ હતી.
આ ઉપરાંત શિક્ષક સામે એવો પણ આરોપ હતો કે,શાળાકીય ત્રિમાસિક કસોટીની જવાબવહીઓ યોગ્ય રીતે ચકાસવામાં આવતી નહતી અને વિદ્યાર્થીઓને ઉચ્ચક ગુણ આપી દેવામાં આવતા હતા. વિદ્યાર્થીઓ પ્રત્યે બેદરકારીના બીજા પણ આક્ષેપ કરવામાં આવતાં તેની તપાસ કરવામાં આવી હતી.
શિક્ષક સામે બાળકો પર શારીરિક અને માનસિક શિક્ષાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા.જેથી સીઆરસી કો-ઓર્ડિનેટર અને ટીપીઇઓની તપાસ દરમિયાન કેટલાક આરોપોને સમર્થન મળતાં તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યા છે,જેને પગલે જિલ્લાના શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બાળકોને પ્રત્યક્ષ ભણાવવાને બદલે ટીવી બતાવવામાં આવતું હતું,વિદ્યાર્થીઓને વાંચન અને લેખનમાં મુશ્કેલી જણાઇ
પાદરાની પંચાયત સંચાલિત સ્કૂલમાં ૧૨ બાળકો હોવાથી તેમને ટીવી પર ભણાવવામાં આવતા હોવાની વિગતો બહાર આવી છે.
વિદ્યાર્થીઓને પાઠય પુસ્તક અને અભ્યાસ ક્રમ મુજબ અભ્યાસ કરાવવાને બદલે ટીવી ચાલુ કરી દેવામાં આવતું હોવાના આક્ષેપોને તપાસ દરમિયાન સમર્થન મળ્યું હતું.જ્યારે,સીઆરસી કો-ઓર્ડિનેટર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની તપાસ દરમિયાન વિદ્યાર્થીઓને વાંચન અને લેખનમાં પણ મુશ્કેલી જણાઇ આવી હતી.
આ ઉપરાંત એકમ કસોટીના ગુણ ઓન લાઈન અપલોડ કરવામાં વિલંબ,ગુ્રપની પેટા શાળાઓને કન્ટિજન્સી અને વિદ્યાલક્ષ્મી બોન્ડના નાણાં સમયસર ચૂકવવામાં નિષ્ફળતા, શાળાકીય નાણાકીય વ્યવહારોમાં શંકાસ્પદ વહીવટ અને અન્ય શિક્ષકો સાથે અયોગ્ય વર્તન જેવી બાબતો પણ તપાસમાં પ્રકાશમાં આવી હતી.
શિક્ષક સામે આરટીઇ-૨૦૦૯ હેઠળ કાર્યવાહી,ડેસરમાં મૂકાયા
પાદરાના શિક્ષકને આર.ટી.ઈ. એક્ટ-૨૦૦૯ અને ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો-૧૯૯૮ની વિવિધ જોગવાઈઓના ભંગ બદલ સસ્પેન્ડ કરી હેડક્વાર્ટર વરસડાની કવોરી પ્રાથમિક શાળા(ડેસર તાલુકો)માં મૂકાયા છે.તેમને મંજૂરી વગર વડોદરા હેડક્વાર્ટર નહિ છોડવા આદેશ અપાયો છે.









