રસ્તા વચ્ચે કૂતરું આવી જતા રીક્ષા પલટી ગઈ : મુસાફરને ગંભીર ઈજા થતા બેભાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Accident : વડોદરાના મકરપુરા રોડ પર નોવિનો ત્રણ રસ્તા પાસે રસ્તા વચ્ચે અચાનક કૂતરું આવી જતાં એક ઓટો રીક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં એક મુસાફરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
મળતી વિગતો અનુસાર, માણેજા શ્રીજી વસાહતમાં રહેતા 58 વર્ષના કનુભાઈ સોલંકી સવારના સમયે ખાનગી યુનિવર્સિટી ખાતે સાફ-સફાઈના કામે જવા માટે ઓટો રીક્ષામાં બેઠા હતા. માણેજાથી સુસેન સર્કલ તરફ જતા સમયે નોવિનો ત્રણ રસ્તા પાસે અચાનક એક કૂતરું સામે આવી ગયું હતું. રિક્ષાચાલક સહજાદખાન પઠાણે વાહન પરનો કાબૂ ગુમાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી, જેમાં ચાલક સહિત કનુભાઈને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત કનુભાઈ બેભાન અવસ્થામાં છે.
રીક્ષાચાલકે શરૂઆતમાં ઈજાગ્રસ્ત વડીલની સારવારનો તમામ ખર્ચ ઉપાડવાની ખાતરી આપી હતી, પરંતુ બાદમાં તે પોતાની વાતથી ફરી ગયો હતો. આથી ઈજાગ્રસ્તના પુત્ર અજય સોલંકીએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.




