UKમાં રહેતા વારસદારોના બોગસ દસ્તાવેજ બનાવી 1.24 કરોડમાં પ્લોટનો સોદો કરી દીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના નિઝામપુરામાં પ્લોટની માલિકી ધરાવતા પરિવારના નામના બોગસ દસ્તાવેજો બનાવીને આશરે ૩૬૮૦ ફૂટના પ્લોટનો રૃ.૧.૨૪ કરોડમાં સોદો કરી દેવાયો હોવાનો બનાવ બનતાં ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ફતેગંજના સેલીનાબેન ગુર્જરે કહ્યું છે કે મૂળજી નગરમાં મારા કાકાના વારસદારો સુનિલ ગુર્જર,ગીતાંજલિ ગુર્જર અને અભિલાષ ગુર્જરના નામનો પ્લોટ આવેલો છે.આ પ્લોટ અગાઉ મારા કાકાએ રોબર્ટ પટેલિયાને ભાડે આપ્યો હતો,પરંતુ તેઓ ખાલી નહિ કરતા હોવાથી કોર્ટમાં કેસ કરી પ્લોટની માલિકી મેળવવામાં આવી હતી.
દરમિયાનમાં તા.૨૫-૫-૨૪ના રોજ રોબર્ટ પટેલિયાએ વકીલ મારફતે પ્લોટ વેચાણની નોટિસ આપતાં મારા કઝીને તપાસ કરાવતાં તેમના યુકેના જૂના સરનામા અને બોગસ સહીઓ સાથેનું કુલમુખત્યારનામું છાણી સબરજિસ્ટ્રારની કચેરીમાં રજૂ થયું હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી મારા કઝીને કુલમુખત્યારનામું રદ કરવાની કાર્યવાહી કરી હતી.
આ દરમિયાન મારા કઝીન અભિલાષનું મૃત્યુ થતાં મિલકતમાંથી તેનું નામ કમી કરાવવા છાણી સબ રજિસ્ટ્રારમાં કાર્યવાહી કરવામાં આવી હતી.જે દરમિયાન સુનિલ રફાયલ પરમાર(આશીર્વાદ ફ્લેટ્સ, નૂતન સ્કૂલપાસે,સમા)અને મળતીયાઓએ બીજું બોગસ કુલમુખત્યારપત્ર રજૂ કરીને આ પ્લોટ રૃ.૧.૨૪ કરોડમાં નરેન્દ્ર શોભરાજમલ મૂલચંદાની,જયેશ મણીલાલ પટેલ અને અતુલ જયરામ દેસાઇને વેચી દઇ રૃ.૫૫લાખ લઇ લીધા હોવાનું જાણવા મળ્યું હતું.
હકિકતમાં મારા કઝીન ક્યારેય સ્ટેમ્પ લેવા ભારતમાં આવ્યા જ નથી.જેથી ફતેગંજ પોલીસે સુનિલ રફાયલ પરમાર સામે ગુનો નોંધી બોગસ દસ્તાવેજો બનાવવાના નેટવર્કની તપાસ હાથ ધરી છે.
મૃત્યુ પામેલી વ્યક્તિના નામે સહી અને અંગૂઠા થયા, બોગસ પાનકાર્ડ બનાવી દીધું
યુકેમાં રહેતા ભાઇ-બહેનનો પ્લોટ પડાવી લેવા માટે તેમના નામના બોગસ બેન્ક એકાઉન્ટ ખૂલી ગયા હોવાની વિગતો બહાર આવી છે.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે યુકેમાં રહેતા સુનિલ ગુર્જર અને તેમના બહેન ગીતાંજલિએ ભારતમાં બેન્ક ખાતું ખોલાવ્યું નથી અને ક્યારેય પાનકાર્ડ કઢાવ્યું નથી.આમ છતાં તેમના નામનું બેન્ક ખાતું ખૂલી ગયું હતું અને પાનકાર્ડ પણ રજૂ થયું હતું.
આવી જ રીતે તેમના એક્સ્પાયરી ડેટના પાસપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા.યુકેના કુલમુખત્યારનામા બાબતે ત્યાંના સબંધિત વિભાગને ઇમેલ કરી પૂછવામાં આવ્યું ત્યારે તેમણે નોટરીની કોઇ નોંધણી નહિ થઇ હોવાનું જણાવ્યું હતું.ગંભીરતા એ બાબતની છે કે પ્લોટના વારસદાર અભિલાષ ગુર્જરનું મૃત્યુ તા.૨૫-૧-૨૦૨૫ના રોજ થયું હતું અને તેમના નામની સહી-અંગૂઠા તા.૯-૫-૨૦૨૫ના રોજ થયા હતા.









