Baroda

અજમેરના સલીમથી બચવા વડોદરા લવાયેલી સગીર વિદ્યાર્થિનીનું કારમાં અપહરણ અને બળાત્કાર,ખંડણી માગી

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં સંબંધીને ત્યાં આવેલી સગીર હિન્દુ વિદ્યાર્થિનીનું અપહરણ થયું હતું. અજમેરનો રિક્ષાચાલક સલીમ તેને પ્રેમજાળમાં ફસાવી રાજસ્થાન લઈ ગયો હતો. અકોટા પોલીસે 3 ટીમો બનાવી કિશનગઢથી સગીરાને છોડાવી, પણ સલીમ ફરાર છે. તેણે ₹1 લાખની ખંડણી માંગી, મોબાઇલ-દાગીના પણ વેચ્યા હતા. પોલીસે બળાત્કારની કલમ ઉમેરી, આરોપીની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અજમેરના સલીમથી બચવા વડોદરા લવાયેલી સગીર વિદ્યાર્થિનીનું કારમાં અપહરણ અને બળાત્કાર,ખંડણી માગી

અજમેરના સલીમ નામના રિક્ષાચાલકની ચુંગાલથી બચવા માટે વડોદરામાં સંબંધીને ત્યાં લવાયેલી સગીર હિન્દુ વિદ્યાર્થિનીનું વડોદરામાંથી અપહરણ કરાતાં પોલીસે સગીરાને રાજસ્થાન ખાતેથી છોડાવી છે. જ્યારે,ફરાર આરોપીની શોધખોળ જારી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,અજમેરમાં અભ્યાસ કરતી સગીરા ત્યાંના સલીમ ઉર્ફે સૈલાબ સૈયદ નામના રિક્ષા ચાલકના સંપર્કમાં આવ્યા બાદ તેને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી.જેથી સગીરાના પરિવારજનોને શંકા જતાં તેને વડોદરામાં અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સંબંધીને ત્યાં મોકલી આપવામાં આવી હતી.
બે દિવસ રહ્યા બાદ ત્રીજા દિવસે પરોઢિયે ચારેક વાગ્યે સગીરા નજરે નહિ પડતાં પરિવારજનોએ તપાસ કરી હતી.જે દરમિયાન કારમાં આવેલો સલીમ તેને ઉઠાવી ગયો હોવાનું જાણવા મળતાં હિન્દુ સંગઠનોની મદદ લઇ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ડીસીપી મંજીતા વણઝારાએ આ અંગે ગુનો નોંધી તપાસ કરાવતાં પોલીસની ટીમો આરોપીનું પગેરું શોધતી રાજસ્થાનના કિશન ગઢ સુધી પહોંચી હતી.જ્યાં સલીમ સગીરાને છોડીને ફરાર થઇ જતાં પોલીસ પીડિતાને લઇને વડોદરા આવી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો.પીડિતા પર બળાત્કાર થયો હોવાનું જણાતાં પોલીસે આરોપીની તપાસ માટે ત્રણ ટીમો રવાના કરી છે.
સગીરાને છોડાવવા માટે તેની માતા પાસે રુ.એક લાખની ખંડણી માગી
આરોપીએ સગીરાના મોબાઇલ અને દાગીના પણ વેચી દીધા હોવાનો આરોપ
સગીર વિદ્યાર્થિનીને ઉઠાવી જનાર સલીમે તેના પરિવારજનો પાસેથી રૃપિયા માગ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સૂત્રોના કહ્યા પ્રમાણે,કારમાં સગીરાને ઉઠાવી જનાર આરોપીએ સગીરાને છોડવા માટે તેની માતાને ફોન કરી રૃ.એક લાખની માગણી કરી હતી.
આ ઉપરાંત તેણે સગીરાનો મોબાઇલ અને દાગીના પણ વેચી દીધા હોવાનો અને ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.જેથી આરોપી પકડાય ત્યારપછી વધુ વિગતો જાણવા મળશે.

રાજસ્થાન પોલીસે રેલવે પોલીસને અને રેલવેએ અકોટા પોલીસને ફરિયાદ મોકલી
સગીર પુત્રીને છોડાવવા માટે રાજસ્થાનના પરિવારની ફરિયાદ હદના વિવાદમાં અટવાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ,પરિવારજનોએ રાજસ્થાન પોલીસને ફરિયાદ કરી ગુનો નોંધવા માગણી કરી હતી.પરંતુ રાજસ્થાન પોલીસે હદના સવાલ ઉભો કરી રેલવે પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરી હતી.
રેલવે પોલીસે આ બનાવની હદ તેમનામાં નહિ આવતી હોવાથી વડોદરાની અકોટા પોલીસને મોકલી હતી.જ્યાં પીઆઇ ડીબી બલદાનિયાએ ડીસીપીની સૂચના મુજબ ગુનો નોંધ્યો હતો.જેથી આરોપીને પકડવા રાજસ્થાન પોલીસની પણ મદદ લેવાશે.