વડોદરાના આધેડને વર્ક પરમિટને બદલે વિઝિટર વિઝા આપી દેતાં સ્પેનમાં ફસાયા,ગુરૃદ્વારા-સ્ટેશન પર દિવસો કાઢ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ધરાવતા આધેડને સ્પેનમાં નોકરી અપાવવાના નામે ૯.૫૦ લાખની ઠગાઇ થતાં તેમણે સમા પોલીસ સ્ટેશનમાં એજન્ટ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
સમા કેનાલના શુભ ટાવરમાં રહેતા બળવંતસિંહ પરમારે પોલીસને કહ્યું છે કે,આણંદ કામ માટે ગયો ત્યારે શૈલેષ પરમાર (અવધ ફ્લેટ,છાણી ગુરુદ્વારા સામે)સાથે પરિચય થયો હતો અને તેણે વિદેશ જવાની ઇચ્છા હોય તો કહેજો તેમ કહ્યું હતું.મારે વિદેશ જવું હોવાથી મોબાઇલ નંબર લઇ વાત કરી હતી.શૈલેષે મારો સંપર્ક એજન્ટ દિનેશ પટેલ (કણઝટ, ખંભાત) સાથે કરાવ્યો હતો અને તેણે રૃ.૯.૫૦ લાખમાં સ્પેનની હોટલમાં રૃ.૫૦ હજારની નોકરી અપાવવાની ખાતરી આપી હતી.
બળવંતસિંહે કહ્યું છે કે,મારી પાસેથી ઇમ્તિયાઝ યુનુસ વોરા(ખંભાત)ફાઇલ લઇ ગયો હતો અને પ્રોસેસના રૃપિયા પણ તેને આપ્યા હતા.ત્યારબાદ મેં ગોલ્ડ લોન લઇ નક્કી કરેલી તમામ રકમ ચૂકવી દીધી હતી. પરંતુ આરોપીઓએ મને વર્ક પરમિટને બદલે વિઝિટર વિઝા આપ્યા હતા અને ત્યાં જઇ વિઝા કન્વર્ટ કરાવી દેવાની ખાતરી આપી હતી.
સ્પેન ગયા બાદ મારી પાસે વધુ રૃ.ત્રણ લાખની માગણી કરવામાં આવી હતી.જેમાં મુંબઇનો કેપ્ટન નામનો શખ્સ મને ધમકી આપતો હતો.બીજા આરોપીઓ પણ એમ્બેસીમાં ફરિયાદ કરીને કાયમ માટે જેલમાં ધકેલી દેવાની ધમકી આપતા હતા.જેથી હું એક દિવસ ગુરૃદ્વારા અને એક દિવસ રેલવે સ્ટેશને રહ્યો હતો.મારા પુત્રએ ટિકિટ કરાવતાં માંડમાંડ પરત ફર્યો હતો.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.




