ભર બપોરે માંજલપુર વિસ્તારમાં લક્ઝરીયસ કાર જોખમી રીતે ચલાવતો નશેબાજ વેપારી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરામાં માંજલપુરના કેવલ ચોકડી નજીકથી પોલીસે નશાની હાલતમાં જોખમી રીતે લક્ઝરી કાર ચલાવતા બે વેપારીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ મકરપુરા GIDC ખાતેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, શુક્રવારે બપોરના સમયે મકરપુરા GIDC તરફથી એક આલીશાન લેન્ડ રોવર ફોર-વ્હીલ કાર પૂરપાટ ઝડપે અને વાંકીચૂકી લહેરાતી આવી રહી હતી. કાર ચાલક અતિશય જોખમી રીતે ડ્રાઇવિંગ કરી રહ્યો હોવાથી રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ફાળ પડી હતી. કારની જોખમી મુવમેન્ટ જોઈને લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.
એ જ સમયે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમનું ધ્યાન આ કાર તરફ ગયું હતું. પોલીસે તાત્કાલિક ગાડીનો પીછો કર્યો હતો અને કેવલ ચોકડી પાસે કારને કોર્ડન કરીને સફળતાપૂર્વક રોકી હતી.
પોલીસ ટીમે કારને રોકીને ચાલકને સ્ટીયરીંગ પરથી નીચે ઉતારી તપાસ કરતા તે ભારે દારૂના નશામાં ધૂળ હોવાનું માલૂમ પડ્યું હતું. તેના મોઢામાંથી તીવ્ર દારૂની વાસ આવી રહી હતી અને તે તોતડાતી જીભે વાત કરતો હતો. પોલીસે તુરંત જ સ્થળ પર બે સ્થાનિક રાહદારી પંચોને બોલાવી બંને ઈસમોની કડક પૂછપરછ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કાર ચલાવી રહેલા ઈસમની ઓળખ દેવેન્દ્રસિંહ હરીસીંહ સીંધા તરીકે થઈ હતી, જેઓ સીસીટીવી (CCTV) અને રાઉટરના વેપાર સાથે સંકળાયેલા છે. જ્યારે તેમની બાજુની સીટ પર બેઠેલા અન્યની ઓળખ સાગરભાઈ ઈશ્વરભાઈ પટેલ (ઉં.વ.36) તરીકે થઈ હતી, જેઓ રિયલ એસ્ટેટ (જમીન-મકાન)ના ધંધા સાથે જોડાયેલા છે. આ બંને આરોપીઓ માંજલપુર વિસ્તારમાં આવેલા સત્વ અરોમા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની પાછળ રહેતા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વધુ વિગતો મુજબ, સીસીટીવીનો ધંધો કરતા મુખ્ય આરોપી દેવેન્દ્રસિંહ સીંધા અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે. અગાઉ ભવન સ્કૂલ પાસે નશાની હાલતમાં ધમાલ મચાવવા અને પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ તથા ઘર્ષણ કરવા બદલ તેમની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે. માંજલપુર પોલીસે રૂ.5,00,000/- (પાંચ લાખ) ની કિંમતની લેન્ડ રોવર કાર કબ્જે કરી છે.




