ખાનગી ¬¬અને સરકારી હોસ્પિટલોમાં ૫ હજાર દર્દીઓ સારવાર હેઠળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વોર્ડદીઠ એક એમ કુલ ૧૯ નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરોનું આયોજન કરાયું છે. આજે કોર્પોરેશન દ્વારા માત્ર વોર્ડ નંબર-૧૩માં યોજાયેલી આરોગ્ય શિબિરના આંકડા જાહેર કરાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ગોદડીયા વાસ,નવાપુરા ખાતેની શિબિરમાં કુલ ૪૩૫ લોકોની તપાસ કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વાયરલ બીમારીઓના દર્દીઓ મળી આવતાં વિસ્તારની આરોગ્ય સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે.
શિબિરમાં ૨૧૪ પુરુષો, ૧૭૪ મહિલાઓ અને ૪૭ બાળકોની તપાસ થઈ હતી. દરમિયાન શરદી-ખાંસીના ૧૨૧, શંકાસ્પદ મેલેરિયાના ૨૭, વાયરલ તાવના ૬૮, ચામડીના ૯૫, આંખના ૮૭, હાઈ બ્લડપ્રેશરના ૧૧૩ અને ડાયાબિટીસના ૧૧૧ દર્દીઓ મળી આવ્યા હતા. આ ઉપરાંત, શંકાસ્પદ ડેન્ગ્યુના ૧૧ અને શંકાસ્પદ ચિકનગુનિયાના ૬ દર્દીઓની પણ ઓળખ થઈ હતી. અન્ય બાવન દર્દીઓને પણ સ્થળ પર સારવાર આપી હતી. આરોગ્ય શિબિર દરમિયાન જરૃરતમંદ ૬ દર્દીઓને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં રિફર કરાયા હતા.
એક જ વોર્ડના આંકડામાં ૪૩૫ લોકોની તપાસ દરમિયાન ૩૮૦ કેસો નોંધાયા છે. હાલ શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પાંચ હજાર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમાં પાણીજન્ય, મચ્છરજન્ય અન્ય ચેપી રોગોના દર્દીઓ પણ સામેલ છે. દૂષિત પાણી, મચ્છરોનો ઉપદ્રવ અને ગંદકીના પ્રશ્નો વચ્ચે બીમારીઓના કેસમાં વધારો થતો અસરકારક કામગીરી કરવી જરૃરી હોવાની લોકમાગ છે.




