Baroda

શહેરમાં રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૩.૨૭ ઇંચ વરસાદ,સિઝનનો વરસાદ ૨૦ ઇંચ

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
શહેરમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજરાવાડી, માંજલપુર, અલકાપુરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. વિશ્વામિત્રી નદીની સપાટી 11.77 ફૂટ થઈ હતી. મ્યુનિ. કમિશ્નર અને મેયરે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લામાં સૌથી વધુ 3.31 ઇંચ વરસાદ ડભોઈમાં નોંધાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૩.૨૭  ઇંચ વરસાદ,સિઝનનો વરસાદ ૨૦ ઇંચ

શહેરમાં આજે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી સાચી ઠરી હતી. વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાથી વીજળીના કડાકા-ભડાકા અને વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સવારે ધોધમાર વરસાદ બાદ બપોર સુધી વિરામ રહ્યો હતો, પરંતુ આગાહી મુજબ સાંજે પાંચ વાગ્યે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને ફરી એકવાર ધોધમાર વરસાદ વરસતાં શહેરના રસ્તાઓ જળબંબાકાર બન્યા હતા.

સાંજે વરસાદના બીજા રાઉન્ડમાં ગાજરાવાડી, માંજલપુર, અલકાપુરી, અલકાપુરી રેલવે અંડરપાસ, બાજવા રેલવે અંડરપાસ, કારેલીબાગ- ખોડિયારનગર, ખંડેરાવ માર્કેટ પાછળ, દાંડિયાબજાર, ફતેપુરા, નવાયાર્ડ, મકરપુરા, કીર્તિસ્તંભ-પિરામિતાર રોડ, રાવપુરા ટાવર ચાર રસ્તા, ચાર દરવાજા સહિતના વિસ્તારોના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. અનેક સ્થળોએ વાહનો બંધ પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે.

વરસાદની અસર વિશ્વામિત્રી નદીની સપાટી પર પણ જોવા મળી છે. સવારે ૯ઃ૩૦ વાગ્યે કાળાઘોડા ખાતે નદીની સપાટી ૮.૬૩ ફૂટ હતી, જે સાંજે ૮ ઃ૩૦ વાગ્યે વધીને ૧૧.૭૭ ફૂટ થઈ ગઈ હતી.

દર વર્ષે મ્યુનિ. કોર્પોરેશન ચોમાસા અગાઉ ડ્રેનેજ સફાઈ, વરસાદી પાણીના નિકાલ અને અન્ય પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ લાખો રૃપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં વરસાદ પડતાં જ શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત્ રહી છે. આજે મ્યુનિ. કમિશ્નર અને મેયરે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

છ વર્ષ પછી પણ ભાયલી-બિલમાં પાણી નિકાલની વ્યવસ્થા નથી

ભાયલી અને બિલ વિસ્તારનો છ  વર્ષ અગાઉ કોપોરેશનની હદમાં સમાવેશ કરાયો હતો. છતાં આજ સુધી વરસાદી પાણીના નિકાલ માટે કાંસ અથવા કાયમી ડ્રેનેજ વ્યવસ્થા નહિ હોવાથી હાલ એપીએસ અને પમ્પિંગના સહારે પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. તાજેતરમાં ભાયલી ગામમાં વરસાદી પાણી ફરી વળતાં સ્થાનિકોને નુકસાન અને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ઉપરાંત બિલ વિસ્તારની મઢી કોલોનીમાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે.

જિલ્લામાં સૌથી વધુ ડભોઈમાં ૩.૩૧ ઇંચ વરસાદ ખાબક્યો

આજે સવારે ૬ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીમાં વરસાદના આંકડા મુજબ, શહેરમાં  ૩.૨૭ ઇંચ વરસાદ વરસતા સિઝનનો વરસાદ ૧૯.૬૫ ઇંચ થયો છે.   જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ ૧૬.૦૫ ઇંચ  નોંધાયો છે. ગત્ ૨૯ જુલાઈએ જિલ્લાનો કુલ વરસાદ ૧૩.૨૮ ઇંચ હતો. એટલે કે આજે જિલ્લામાં ૨.૭૮ ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ ડભોઈમાં ૩.૩૧ ઇંચ અને સૌથી ઓછો કરજણમાં ૧.૧૦ ઇંચ વરસાદ વરસ્યો છે.