Baroda

82 વર્ષના વયોવૃદ્ધ સાથે પારિવારિક સંબંધો કેળવી 16.33 લાખ પડાવી લીધા

By GS Team
6 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં માંજલપુરના 82 વર્ષીય અજીતભાઈ મોદી સાથે રૂ. 16.33 લાખની છેતરપિંડી થઈ છે. ભાવિક શાહ નામનો શખ્સ 10 વર્ષથી તેમની સાથે પારિવારિક સંબંધો કેળવી, ઘરકામમાં મદદ કરતો હતો. એપ્રિલ 2023થી અંગત કામના બહાને તેણે જુદા-જુદા બેંક ખાતાઓમાંથી ચેક અને રોકડ મળીને કુલ રૂ. 16,33,000/- લીધા હતા. પૈસા પાછા માંગતા ચેક બાઉન્સ થયા અને ભાવિકે પૈસા આપવાની ના પાડી ધમકી આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

82 વર્ષના વયોવૃદ્ધ સાથે પારિવારિક સંબંધો કેળવી 16.33 લાખ પડાવી લીધા

Vadodara Fraud Case : વડોદરામાં માંજલપુરના જૈન દેરાસર રોડ પર આવેલી શ્રી વીર રેસીડેન્સીમાં રહેતા અજીતભાઈ ભોગીલાલ મોદી (ઉંમર વર્ષ 82) એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે માંજલપુરના જીઆઈડીસી રોડ સ્થિત સહજાનંદ ફ્લેટ્સમાં રહેતા ભાવિક પ્રવીણચંદ્ર શાહ છેલ્લા 10 વર્ષથી મારી સાથે ઓળખાણ ધરાવતો હતો. હું વૃદ્ધ હોવાથી તે મારી સાથે જૈન મંદિરે દર્શન કરવા આવતો, ઘરકામમાં મદદ કરતો અને બજારમાં કામકાજ અર્થે મારી સાથે આવતો હતો. તેણે મારી સાથે ગાઢ પારિવારિક સંબંધો કેળવી લીધા હતા. ત્યારબાદ, એપ્રિલ 2023થી તેણે પોતાના અંગત અને વ્યાવસાયિક કામકાજનું બહાનું બતાવીને મારી પાસે નાણાંની માંગણી શરૂ કરી હતી. પૈસા સમયસર પરત આપી દેવાનો પાકો ભરોસો આપતા મેં મારા જુદા-જુદા બેંક ખાતાઓમાંથી ચેક અને ટ્રાન્સફર મારફતે રૂ.15,14,500/- તથા રોકડા રૂ.1,18,500/- મળીને કુલ રૂ.16,33,000/- તેને આપ્યા હતા.
જ્યારે મેં મારા નાણાં પરત માગ્યા ત્યારે તેણે મને આપેલા આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંકના રૂ.4.5 લાખ, રૂ.3.80 લાખ અને રૂ.8 લાખના ચેકો બેંકમાં જમા કરાવતા "ઇન્સફિશિયન્ટ ફંડ્સ" (અપૂરતું બેલેન્સ) ના કારણે બાઉન્સ થયા હતા. આ અંગે મેં ભાવિક શાહનો રૂબરૂ અને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેણે સરખો જવાબ આપવાનું બંધ કરી દીધું અને છેવટે "હું પૈસા નહીં આપું" તેમ કહી ધમકી આપી પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.