12 વર્ષે બાવો બોલ્યો : 12 વર્ષથી કાગળ પર દોડતો આજવા સફારી પાર્ક પ્રોજેક્ટ માટે હવે રૂ.450 કરોડનો ખર્ચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2014-15માં આજવા ખાતે વાઇલ્ડ લાઇફ સફારી પાર્ક બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
વર્ષ 2017માં પાર્કના નિર્માણ માટે ખાનગી કંપનીને કામગીરી સોંપવામાં આવી હતી. જોકે વર્ષો વીતી ગયા છતાં કામગીરી શરૂ ન થતાં કંપનીને અનેક વખત નોટિસો પાઠવવામાં આવી હતી. દરમિયાન વિપક્ષે પણ પ્રોજેક્ટમાં થયેલા વિલંબને લઈને સત્તાપક્ષ અને વહીવટી તંત્રને આડે હાથ લીધા હતા.
પ્રોજેક્ટમાં થયેલા વિલંબ અંગે સત્તાપક્ષ અને અધિકારીઓ દ્વારા રેલવે લાઇન સહિતની વિવિધ અડચણોને જવાબદાર ગણાવવામાં આવી હતી. જોકે સવાલ એ ઊભો થાય છે કે પ્રોજેક્ટનું આયોજન કરતી વખતે આવી બાબતો, જરૂરી સરકારી મંજૂરીઓ, ગ્રાન્ટ અને અન્ય તકનિકી મુદ્દાઓનું પૂર્વ આયોજન કેમ કરવામાં આવ્યું નહોતું. જો આ તમામ બાબતો અગાઉથી ધ્યાનમાં લેવામાં આવી હોત તો વર્ષો સુધી પ્રોજેક્ટ અટકી ન રહેત.
છેલ્લા એક દાયકાથી વધુ સમયથી વડોદરાના લોકોને વિદેશી પક્ષીઓ અને વન્ય પ્રાણીઓ સાથે આધુનિક સફારી પાર્કનું સપનું બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ પ્રોજેક્ટ હજુ સુધી કાગળ પરથી જમીન પર ઉતરી શક્યો નથી. હવે ફરી એક વખત વાઇલ્ડ લાઇફ સફારી પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
નવી યોજના મુજબ પ્રથમ તબક્કામાં નિયત વિસ્તારમાં મુખ્ય પ્રવેશદ્વાર (એન્ટ્રી ગેટ) અને સુરક્ષા દિવાલ (કમ્પાઉન્ડ વોલ)નું નિર્માણ કરીને સમગ્ર વિસ્તારને સંરક્ષિત કરવામાં આવશે. તંત્રનો દાવો છે કે બે વર્ષમાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ નવા કન્સ્ટ્રક્શન પેકેજની નિમણૂક કરીને આગામી તબક્કાઓની કામગીરી હાથ ધરાશે.
મહત્ત્વાકાંક્ષી આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ.400થી રૂ.450 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જોકે અગાઉ પણ અનેક વખત જાહેરાતો અને સમયમર્યાદાઓ જાહેર થઈ હોવા છતાં કામગીરી આગળ વધી શકી નહોતી.









