કાલોલના ખેડૂત સહિત ૧૧ રોકાણકારો સાથે ૧.૧૮ કરોડની ઠગાઇ નડિયાદની DMM કેપિટલમાં રોકાણ કરાવી ભાગીદારો પાટિયા પાડી ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કાલોલ તાલુકાના અલવા ગામના ખેડૂત સહિત ૧૧ રોકાણકારો પાસે નડિયાદની DMM કેપિટલ નામની કંપનીમાં રોકાણ કરાવવાના નામે ઊંચા વળતર અને નફાની લાલચ આપી રોકાણકારો સાથે રૃા.૧.૧૮ કરોડની છેતરપિંડી થતા કંપનીના ત્રણ ભાગીદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
અલવા ગામના પટેલ ફળિયામાં રહેતા ખેડૂત કિરણ પ્રભુદાસ પટેલે કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૩ દરમિયાન મલાવ રોડ સ્થિત ખાનગી સ્કૂલમાં ક્લાર્કની નોકરી કરતા દિનેશ સુરેન્દ્રસિંહ ચૌહાણ પરિચયમાં આવ્યા બાદ તેણે જણાવ્યું હતું કે પોતે નડિયાદની DMM કેપિટલ કંપનીમાં ભાગીદાર છે અને અમારી કંપનીમાં નાણાં રોકવાથી દર મહિને આકર્ષક નફો અને નિયત સમયગાળો પૂર્ણ થતાં મૂળ રકમ પણ પરત મળશે.
બાદમાં મેં કંપનીની નડિયાદ સ્થિત ઓફિસની મુલાકાત લેતાં ત્યાં અન્ય બે ભાગીદારો પૃથ્વી વિજય શર્મા અને જીતેષ ગોવિંદભાઈ ભરવાડ સાથે મુલાકાત કરી હતી. ત્રણેય ભાગીદારોએ રોકાણકારોના નાણાં શેરબજારમાં રોકીને તેમાંથી મળતા નફામાંથી હિસ્સો આપવાની વાત કરી વિશ્વાસ સંપાદિત કરતા તા.૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ રૃા.૫ લાખ અને ત્યારબાદ રૃા.૨ લાખ મળી કુલ રૃા.૭ લાખનું રોકાણ કર્યું હતું. શરૃઆતમાં કંપનીએ પાંચ ટકા લેખે રૃ.૫૦ હજારનો નફો ચૂકવી વિશ્વાસ જીત્યો હતો પરંતુ બીજા મહિને નફો આપવા માટે ગલ્લાંતલ્લાં શરૃ કરી અંતે ઓફિસ બંધ કરી ગાયબ થઈ ગયા હતા.
આ રોકાણ અંગે નોટરી સમક્ષ બાહેધરી કરાર પણ કરવામાં આવ્યો હતો અને સિક્યુરિટી પેટે રોકાણ કરેલી રકમનો ચેક આપવામાં આવ્યો હતો. આ રોકાણમાં કાલોલના અન્ય ૧૦ વ્યક્તિઓએ પણ રોકાણ કર્યુ હતું જેમના રૃપિયા ફસાયા છે. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓના નામ
- જીતેષ ગોવિંદભાઈ ભરવાડ (રહે.જાનકીપાર્ક સોસાયટી, નડિયાદ)
- પૃથ્વી વિજય શર્મા (રહે.મારૃતિનગર, મહેમદાવાદ)
- દિનેશ સુરેન્દ્રસિંહ ચૌહાણ (રહે.માનસરોવર સોસાયટી, કાલોલ)
ભોગ બનેલા કાલોલના રોકાણકારોના નામ
- કિશન મહેશભાઈ પટેલ
- રાજવીરસિંહ હરિચન્દ્રસિંહ પરમાર
- કિરણભાઈ દેવેન્દ્રભાઈ પટેલ
- મનોજકુમાર મહેન્દ્રસિંહ પરમાર
- ષાંગ રાકેશભાઈ પટેલ
- દર્શનસિંહ કિશોરસિંહ સોલંકી
- વિનોદભાઈ ભિખાભાઈ બારીયા
- જયપાલસિંહ વિજયસિંહ પરમાર
- દિપકકુમાર હસમુખભાઈ રાવળ
- મેહુલભાઈ મહેશભાઈ પટેલ
- કિરણ પ્રભુદાસ પટેલ




