Baroda

વડોદરાના ધનીયાવીરોડ પર 10 ગોડાઉન આગમાં લપેટાયા,અફરાતફરી સર્જાઇ

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ધનીયાવી રોડ પર આવેલા 15 ગોડાઉન પૈકી 10 ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગણેશજીની મૂર્તિ બનાવતી ફેક્ટરીમાં થીનરના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. પ્લાસ્ટિક, ફરાસખાના અને દાણની બોરીઓના ગોડાઉનો પણ લપેટાયા હતા. ફાયર બ્રિગેડના 10 એન્જિનોએ 7 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ધનીયાવીરોડ પર 10 ગોડાઉન આગમાં લપેટાયા,અફરાતફરી સર્જાઇ

વડોદરાની આસપાસ ફૂટી નીકળેલા ગોડાઉનોમાં આગ લાગવાના વારંવાર બનાવો બનતા હોય છે ત્યારે આજે બપોરે ધનીયાવી રોડ પર લાગેલી ભીષણ આગમાં દસ જેટલા ગોડાઉન લપેટાઇ જતાં ભારે નુકસાન થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ,ધનીયાવી રોડ પર એક ખુલ્લી જગ્યામાં પતરાંના શેડ બનાવી પંદર જેટલા ગોડાઉનો બનાવવામાં આવ્યા હતા.આ પૈકી ગણેશજીની મૂર્તિઓ બનાવતી જગ્યામાં કોઇ કારણસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
મૂર્તિવાળાઓ ઝડપથી સળગી ઉઠે તેવા થીનર નામના કેમિકલનો ઉપયોગ કરતા હોવાથી આગ ઝડપભેર પ્રસરી હોવાનું મનાય છે.બાજુમાં પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાથી તેમાં આગ પકડાઇ ગઇ હતી.બનાવને પગલે નાસભાગ મચતાં અન્ય ગોડાઉનમાંથી માલ સામાન કાઢવા માટે દોડધામ મચી હતી.
પરંતુ આગનું સ્વરૃપ અતિ રૌદ્ર હતું અને ફરાસખાના,દાણની બોરીઓ તેમજ પ્લાસ્ટિકની ચીજો વાળા બીજા ગોડાઉનો પણ આગમાં પકડાઇ ગયા હતા.વડોદરા ફાયર બ્રિગેડના દસ ફાયર એન્જિનો સાત કલાક સુધી કામે લાગ્યા બાદ રાત્રે નવેક વાગ્યે આગ કાબૂમાં આવી હતી અને બીજા ગોડાઉન બચી ગયા હતા.પોલીસ પણ દોડી આવી હતી અને આ ગોડાઉનોના માલિક,ફાયર સેફ્ટિ અને કારણના મુદ્દે તપાસ હાથ ધરી છે.
સાંકડી જગ્યા હોવાથી ફાયર એન્જિનોને કતારમાં રાખવા પડયા,ખાલી ટેન્કરો ભરવામાં મુશ્કેલી પડી
ગોડાઉનોની બહાર ખૂબ જ સાંકડી જગ્યા હોવાને કારણે ફાયર બ્રિગેડને કામગીરી કરવામાં ખૂબ મુશ્કેલી પડી હતી.
આગનું રૌદ્ર સ્વરૃપ જોતાં ગાજરાવાડી ફાયર સ્ટેશનના ઓફિસર વિનોદ મોહિતેએ કંટ્રોલરૃમને જાણ કરી હતી.જેથી ઇન્ચાર્જ ડે.ચીફ ફાયર નિકુંજ આઝાદ સહિતના અધિકારીઓ કાફલા સાથે આવી ગયા હતા.
આ વખતે ગોડાઉનની બહાર ખૂબ સાંકડી જગ્યા હોવાથી ફાયર એન્જિન આગળ જઇ શકતા નહતા અને તેમને કતારમાં રાખીને કામગીરી કરવી પડી હતી.આ ઉપરાંત ખાલી ટેન્કરો ભરવામાં પણ ભારે અડચણ પડી હતી. તો બીજીતરફ વરસાદને કારણે ઉપરોક્ત વિસ્તારમાં પાણી ભરાયાં હોવાથી ફસાઇ ગયેલા ફાયર એન્જિનને કાઢતાં નાકે દમ આવ્યો હતો.