Astro

Explainer: વેદોમાં દર્શાવેલા '33 કોટિ' દેવતા કોણ છે? જાણો હિન્દુ ધર્મમાં દેવી-દેવતાની સંખ્યાની હકીકત!

By GS Team
30 Sep 20265 mins read
TukuTouch Logo
હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવતાઓની માન્યતા સંસ્કૃત શબ્દ 'કોટિ'ના ખોટા અર્થઘટનથી ઉદ્ભવી છે. વાસ્તવમાં, 'કોટિ'નો અર્થ 'પ્રકાર' કે 'શ્રેણી' થાય છે, 'કરોડ' નહીં. વેદો અનુસાર, 33 મુખ્ય દેવતાઓ છે: 8 વસુ, 11 રુદ્ર અને 12 આદિત્ય, જેમાં ઇન્દ્ર અને પ્રજાપતિ ઉમેરતાં કુલ 33 થાય. આ દેવતાઓ પ્રકૃતિની શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિમૂર્તિ પરમ તત્વનું ઉચ્ચ સ્વરૂપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: વેદોમાં દર્શાવેલા '33 કોટિ' દેવતા કોણ છે? જાણો હિન્દુ ધર્મમાં દેવી-દેવતાની સંખ્યાની હકીકત!
AI તસવીર

33 Koti Gods Explained: આપણે બાળપણથી જ દાદા-દાદી કે વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતા છે. આ વાત એટલી બધી વાર કહેવાઈ અને સાંભળવામાં આવી છે કે આજે તે મોટા ભાગના લોકો માટે 'સત્ય' બની ગઈ છે. પરંતુ, શું ખરેખર આપણા વેદો કે પુરાણોમાં 33 કરોડ દેવતાનાં નામ છે? જો આપણે હિન્દુ ધર્મના સૌથી પ્રાચીન અને પવિત્ર ગ્રંથો વેદો અને ઉપનિષદોના પાના ફેરવીએ, તો ચિત્ર કંઈક અલગ જ જોવા મળે છે. આ વાત માત્ર આંકડાકીય ભૂલની નથી, પરંતુ સંસ્કૃત ભાષાના એક શબ્દના થયેલા ખોટા અર્થઘટનની છે. ચાલો સમજીએ કે આ '33 કરોડ'ની ગેરસમજ ક્યાંથી ઊભી થઈ, વેદોમાં ખરેખર કેટલા દેવતાઓનો ઉલ્લેખ છે અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ આખી સૃષ્ટિમાં ક્યાં બિરાજમાન છે.

'કોટિ' શબ્દનો અસલી અર્થ શું છે?

આ સમગ્ર ગેરસમજનું મૂળ સંસ્કૃત ભાષાનો એક શબ્દ છે: 'કોટિ'. આજના સમયમાં આપણે 'કોટિ' શબ્દનો ઉપયોગ 'કરોડ' (Crore) ના અર્થમાં કરીએ છીએ. પરંતુ સંસ્કૃત ભાષા ખૂબ વિશાળ છે અને તેમાં એક શબ્દના અનેક અર્થ થાય છે. પ્રાચીન સંદર્ભમાં 'કોટિ' શબ્દનો અર્થ 'શ્રેણી', 'વર્ગ', 'પ્રકાર' અથવા 'સર્વોચ્ચ કક્ષા' થાય છે. ભારતીય વૈદિક પરંપરામાં '33 કોટિ' દેવતાનો ઉલ્લેખ છે, જેનો સાચો અર્થ '33 કરોડ' નહીં, પરંતુ '33 પ્રકારના' અથવા '33 સર્વોચ્ચ' દેવતા એવો થાય છે.

દેવતાઓની સંખ્યા ખરેખર કેટલી છે?

'બૃહદારણ્યક ઉપનિષદ'ના એક અત્યંત પ્રખ્યાત સંવાદમાં આ અંગે સુંદર ચર્ચા જોવા મળે છે. જ્યારે ઋષિ યાજ્ઞવલ્ક્યને દેવતાઓની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સૌપ્રથમ આંકડો 33 કહ્યો. જિજ્ઞાસાવશ જ્યારે તેમને વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે આ સંખ્યા ઘટાડીને 6, પછી 3, પછી 2, પછી 1.5 અને અંતે માત્ર 1 કહી. આ દર્શાવે છે કે મૂળ દેવતા 33 જ છે, જે અલગ-અલગ પ્રકૃતિનું પ્રતિનિધિત્વ કરે છે.

કોણ છે આ 33 દેવતા?

આ 33 દેવતાના મુખ્યત્વે ત્રણ ભાગ પડે છે: 8 વસુ, 11 રુદ્ર અને 12 આદિત્ય.

  1. પ્રકૃતિના આધારસ્તંભ છે 8 ‘વસુ’
    ઉપનિષદ અનુસાર વસુ એટલે એવી શક્તિઓ જેના પર આ આખું વિશ્વ ટકેલું છે. આ 8 વસુઓમાં અગ્નિ, પૃથ્વી, વાયુ, અવકાશ, સૂર્ય, આકાશ, ચંદ્ર અને તારાઓનો સમાવેશ થાય છે. આ એવા તત્વો છે જે જીવસૃષ્ટિને રહેવા માટે સ્થાન અને આધાર આપે છે. એટલે કે, વસુઓને કોઈ માનવીય આકારમાં જોવાને બદલે પ્રકૃતિની તે મૂળભૂત શક્તિઓ તરીકે જોવા જોઈએ જે જીવન શક્ય બનાવે છે.
  2. જીવનની ઊર્જા એટલે 11 ‘રુદ્ર’
    આજે 'રુદ્ર' શબ્દ સાંભળતા જ આપણને ભગવાન શિવનું સ્મરણ થાય છે, પરંતુ વૈદિક પરંપરામાં રુદ્રનો અર્થ થોડો વિશાળ છે. આપણા શરીરમાં રહેલી 10 મહત્ત્વપૂર્ણ શક્તિઓ (પ્રાણ) અને 1 આત્મા મળીને 11 રુદ્ર બને છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે અને પ્રાણ શરીર છોડીને જાય છે, ત્યારે પાછળ રહેલા સ્વજનો રડે છે અને શોક કરે છે. રડાવનાર કે શોક કરાવનાર હોવાથી તેમને 'રુદ્ર' કહેવામાં આવ્યા છે. પાછળથી પૌરાણિક કાળમાં આ વૈદિક રુદ્રનો ખ્યાલ ભગવાન શિવ સાથે વધુ ગાઢ રીતે જોડાઈ ગયો.
  3. સમયનું ચક્ર ચલાવતાં 12 ‘આદિત્ય’
    વૈદિક સાહિત્યમાં 12 આદિત્ય એટલે વર્ષના 12 મહિના. આ 12 મહિનાઓ સૂર્યની ગતિ અને સમય સાથે જોડાયેલા છે, જે આખા વિશ્વને અને આયુષ્યને સતત આગળ લઈ જાય છે. અલગ-અલગ ગ્રંથોમાં આ 12 આદિત્યોનાં નામ જુદાં-જુદાં હોઈ શકે છે.

ગણતરી પૂરી કેવી રીતે થાય છે?

જો આપણે સરવાળો કરીએ તો: 8 વસુ + 11 રુદ્ર + 12 આદિત્ય = 31 થાય. બાકી વધેલા 2 દેવતાઓ વિશે અલગ-અલગ ગ્રંથોમાં થોડો તફાવત છે

  • બૃહદારણ્યક ઉપનિષદમાં 'ઇન્દ્ર' અને 'પ્રજાપતિ' ઉમેરીને આ સંખ્યા 33 દર્શાવાઈ છે.
  • શતપથ બ્રાહ્મણ જેવા અન્ય ગ્રંથોમાં આ બે સ્થાનો પર 'દ્યૌસ' (સ્વર્ગ/આકાશ) અને 'પૃથ્વી'નો ઉલ્લેખ છે.
  • ટૂંકમાં, નામોમાં થોડો ફેરફાર હોવા છતાં 33 શ્રેણીનો નિયમ અકબંધ રહે છે.

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્થાન ક્યાં છે?

હવે સ્વાભાવિક પ્રશ્ન થાય કે જો દેવતાઓ આ 33 જ છે, તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ (મહેશ) આ યાદીમાં ક્યાં છે? હકીકતમાં હિન્દુ ધર્મની વિચારધારાનો હજારો વર્ષો સુધી વિકાસ થયો છે. વેદકાળ પછી પૌરાણિક કાળ આવ્યો અને આ સમયગાળા દરમિયાન 'ત્રિમૂર્તિ'નો ખ્યાલ વધુ સ્પષ્ટ રીતે ઊભરી આવ્યો. જેમાં બ્રહ્માને સર્જનહાર, વિષ્ણુને પાલનહાર અને શિવને સંહારક (અથવા પરિવર્તન લાવનાર) તરીકે સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું. આ ત્રિમૂર્તિ એ પ્રકૃતિ ચલાવતા 33 દેવતાઓ કરતાં પરમ તત્વનું વધુ ઊંચું અને વિકસિત સ્વરૂપ છે. તેથી તેમને પેલા 33ની યાદીમાં બળજબરીથી ગોઠવવાને બદલે હિન્દુ ધર્મના ક્રમિક વિકાસના ભાગરૂપે અલગથી સમજવા વધુ યોગ્ય છે.

ઈશ્વર એક છે કે અનેક?

હિન્દુ દર્શનશાસ્ત્રની આ સૌથી સુંદર અને ઊંડી ફિલસૂફી છે. ઉપનિષદો અને વેદો અલગ-અલગ દેવતાઓની વાત ચોક્કસ કરે છે, પરંતુ અંતે તો તે પરમ સત્યની 'એકતા' પર જ ભાર મૂકે છે. ઋગ્વેદનું એક ખૂબ જ પ્રખ્યાત વાક્ય છે: ‘એકં સદ્ વિપ્રા બહુધા વદન્તિ.’ એટલે કે ‘સત્ય એક જ છે, પરંતુ જ્ઞાની લોકો તેને અલગ-અલગ નામોથી બોલાવે છે.’

પરમ તત્ત્વ એક જ છે, તો પછી આટલા બધા દેવી-દેવતાની પૂજા કેમ?

હિન્દુ ધર્મમાં દરેક વ્યક્તિની માનસિકતા, શ્રદ્ધા અને જરૂરિયાતને માન અપાયું છે. કેટલાક લોકો ભગવાન શિવમાં પરમ તત્ત્વ જુએ છે, તો કેટલાક વિષ્ણુમાં કે માતાજીમાં. દરેક કુટુંબની આસ્થા તેમના કુળદેવી કે કુળદેવતા સાથે જોડાયેલી હોય છે. આ બાબતને એક સરળ ઉદાહરણથી સમજીએ. જેમ કે, પાણી. પાણી મૂળભૂત રીતે એક જ છે, પરંતુ આપણે તેને નદી, વરસાદ, ધોધ, તળાવ અને વિશાળ સમુદ્ર એમ અલગ-અલગ સ્વરૂપે જોઈએ છીએ અને અનુભવીએ છીએ. તેવી જ રીતે, પરમાત્મા એક જ છે, પરંતુ હિન્દુ ધર્મ આપણને તે એક જ ઈશ્વરને આપણી શ્રદ્ધા અનુસાર અલગ-અલગ સ્વરૂપોમાં ભજવાની અને પ્રેમ કરવાની સ્વતંત્રતા આપે છે.

જો હવે કોઈ 33 કરોડ દેવતાની વાત કરે, ત્યારે તમે તેમને જણાવી શકો છો કે તે '33 કરોડ' સંખ્યા નથી, પરંતુ પ્રકૃતિ અને બ્રહ્માંડને ચલાવતી '33 સર્વોચ્ચ શક્તિ (પ્રકારો)' છે, જે અંતે તો એક જ પરમાત્માનો જ અંશ છે.