Astro

12 ઑગસ્ટે 'સંપૂર્ણ સૂર્યગ્રહણ': હવે 400 વર્ષ પછી આવશે આવી ખગોળીય ઘટના, જામનગરમાં દુર્લભ નજારો જોવાની ખાસ વ્યવસ્થા

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગર: 12 ઑગસ્ટ, 2026ના રોજ થનારા દુર્લભ 'સંપૂર્ણ સૂર્યગ્રહણ'નું લાઇવ ટેલિકાસ્ટ જામનગરના મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે સેટેલાઇટ મારફતે બતાવવામાં આવશે. ભારતમાં અદૃશ્ય આ ઘટનાનો લાભ વિદ્યાર્થીઓ અને ખગોળપ્રેમીઓ લઈ શકે તે માટે જામનગર મહાનગરપાલિકા, ગુજકોસ્ટ પ્રેરિત એમ.ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્ર અને ખગોળ મંડળ જામનગર દ્વારા આ વ્યવસ્થા કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

12 ઑગસ્ટે 'સંપૂર્ણ સૂર્યગ્રહણ': હવે 400 વર્ષ પછી આવશે આવી ખગોળીય ઘટના, જામનગરમાં દુર્લભ નજારો જોવાની ખાસ વ્યવસ્થા

Jamnagar Town Hall Solar Eclipse Live Telecast: આગામી તારીખ 12 ઑગસ્ટ 2026ને બુધવારના રોજ આકાશમાં એક અત્યંત દુર્લભ અને અદ્ભુત ખગોળીય ઘટના સર્જાવા જઈ રહી છે. નભોમંડળમાં 'સંપૂર્ણ સૂર્યગ્રહણ'(Total Solar Eclipse)નો નજારો જોવા મળશે. આ અલૌકિક ઘટનાને લઈને ખગોળ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ક્યારે અને ક્યાં દેખાશે આ સૂર્યગ્રહણ?

આ ભવ્ય ખગ્રાસ સૂર્યગ્રહણ આગામી 12મી ઑગસ્ટને બુધવારે રાત્રે 9:00 વાગ્યા બાદ સર્જાનાર છે. જોકે, આ સૂર્યગ્રહણ ભારતમાં સીધી રીતે નજરે પડશે નહીં. આ અદ્ભુત ખગોળીય ઘટના મુખ્યત્વે આર્કટિક, ગ્રીનલૅન્ડ, આઇસલૅન્ડ, પશ્ચિમ આફ્રિકા, નોર્થ અમેરિકા અને યુરોપના દેશોમાં જોઈ શકાશે.

આ સૂર્યગ્રહણની કુલ અવધિ 138 સેકન્ડ એટલે કે 2 મિનિટ અને 18 સેકન્ડની રહેશે. આ ખાસ સમયગાળા દરમિયાન પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવશે, અને ચંદ્ર પૃથ્વીની નજીક હોવાથી તે સૂર્યને પૂર્ણપણે ઢાંકી દેશે. વિશેષ નોંધનીય બાબત એ છે કે, હવે પછી આવું સૂર્યગ્રહણ પૂરા 400 વર્ષ પછી દેખાશે, જેથી આ ઘટનાનું ખગોળીય દૃષ્ટિએ ખૂબ મોટું મહત્ત્વ છે.

જામનગરમાં સૂર્યગ્રહણનું લાઇવ પ્રસારણ

ભારતમાં આ ગ્રહણ દેખાવાનું ન હોવા છતાં, જામનગરના વિદ્યાર્થીઓ અને ખગોળ પ્રેમીઓ આ અલૌકિક દૃશ્યથી વંચિત ન રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના સહયોગથી નગરજનો માટે સેટેલાઇટ મારફતે સૂર્યગ્રહણનું લાઇવ પ્રસારણ બતાવવાની વ્યવસ્થા મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે ગોઠવવામાં આવી છે. આ સમગ્ર આયોજન અંતર્ગત ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર - ધ્રોળ અને ખગોળ મંડળ જામનગર દ્વારા લાઇવ ટેલિકાસ્ટના માધ્યમથી સૂર્યની તમામ ગતિવિધિઓની સંપૂર્ણ તલસ્પર્શી માહિતી અને રનિંગ કોમેન્ટ્રી પૂરી પાડવામાં આવશે, જેમાં સ્થાનિક સંસ્થા રંગતાળી સ્વરૂપનો પણ વિશેષ સહયોગ સાંપડ્યો છે.

જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના વિદ્યાર્થીઓ, અન્ય શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ તમામ ખગોળ પ્રેમી નાગરિકોને આ અદ્ભુત અવકાશી ઘટનાના લાઇવ પ્રસારણનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમની રૂપરેખા જામનગર ખગોળ મંડળના પ્રમુખ કિરીટભાઈ શાહ, એમ.ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોળના સુધાબેન ખંઢેરીયા, ડૉ. સંજય પંડ્યા અને અમિત વ્યાસ વગેરેના વગેરેના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી રહી છે.