ArticleViewAmp News | Gujarat Samachar

Ahmedabad

અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં GCAS એડમિશન વિવાદ, કાનૂની લડાઈના કારણે હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને રાજ્ય સરકાર વચ્ચે GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસને લઈને ચાલી રહેલો કાનૂની જંગ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ મૂકી ગયો છે. કોર્ટમાં આ કેસ પેન્ડિંગ હોવાના લીધે વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ બની ગયું છે. 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે સરકારે બધી કોલેજોને GCAS પોર્ટલથી જ એડમિશન આપવાનો આદેશ કર્યો. પરંતુ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, જે માઈનોરિટી સંસ્થા છે, તેણે બંધારણની કલમ 30 હેઠળ મળતા અધિકારનો હવાલો આપી પોતાની અલગ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી હોવાનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં GCAS એડમિશન વિવાદ, કાનૂની લડાઈના કારણે હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

Ahmedabad News: અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને રાજ્ય સરકાર વચ્ચે GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસને લઈને ચાલી રહેલો કાનૂની જંગ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ મૂકી ગયો છે. કોર્ટમાં આ કેસ પેન્ડિંગ હોવાના લીધે વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ બની ગયું છે. 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે સરકારે બધી કોલેજોને GCAS પોર્ટલથી જ એડમિશન આપવાનો આદેશ કર્યો. પરંતુ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, જે માઈનોરિટી સંસ્થા છે, તેણે બંધારણની કલમ 30 હેઠળ મળતા અધિકારનો હવાલો આપી પોતાની અલગ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી હોવાનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે.

સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં GCAS એડમિશન વિવાદ

કોલેજે વિદ્યાર્થીઓને પોતાની વેબસાઈટ પર સીધા અરજી કરવા જણાવ્યું છે, જ્યારે સરકારે GCAS પોર્ટલના માધ્યમથી એડમિશન પ્રક્રિયા ફરજિયાત કર્યું હોવાથી મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. બીજી તરફ, નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પણ થઈ ગઈ છે. આ દરમિયાન GCASનો પહેલો રાઉન્ડ પૂરો પણ થઈ ગયો, પણ સેન્ટ ઝેવિયર્સમાં અરજી કરનાર વિદ્યાર્થીઓ અસમંજસમાં છે.

એડમિશન પ્રક્રિયા અટકાવાઈ

કોલેજે 9 જૂને નોટિસ મૂકી કે કોર્ટની કાર્યવાહી પેન્ડિંગ હોવાથી હાલ મેરિટ લિસ્ટ જાહેર નહીં થાય. ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ફી ભરવી, સીટ એલોટમેન્ટ, એડમિશન કન્ફર્મેશન… આ બધી પ્રક્રિયા અટકાવી દેવાઈ છે. વિદ્યાર્થીઓને ખબર નથી કે તેમનું એડમિશન થશે કે નહીં, થશે તો ક્યારે થશે. આ અનિશ્ચિતતાનો સૌથી મોટો ભોગ વિદ્યાર્થી બની રહ્યા છે.

જે બાળકોએ સેન્ટ ઝેવિયર્સને પ્રાથમિકતા આપી, તેઓ GCASમાં બીજી કોલેજ પસંદ કરી શક્યા નથી. હવે જો કોર્ટનો નિર્ણય કોલેજની વિરુદ્ધ આવશે, તો તેમનું વર્ષ બગડવાનો ભય છે. બીજી તરફ, બીજી કોલેજોમાં સીટ ભરાઈ જશે તો વિકલ્પ પણ નહીં રહે. શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં સંસ્થાના અધિકાર અને સરકારની નીતિ વચ્ચેની લડાઈમાં વિદ્યાર્થી પીસાઈ રહ્યો છે.

કોલેજ અને સરકારની લડાઈમાં વર્ષ બગડવાનો વિદ્યાર્થીમાં ભય

કોર્ટમાં કેસ લઈને દલીલો થાય, તારીખ પડે, સુનાવણી થાય, પરંતુ કોલેજ અને સરકારની GCAS એડમિશન પ્રક્રિયા વચ્ચે વિદ્યાર્થીના કારકિર્દીનો સવાલ થઈ રહ્યો છે. જૂન મહિનો પૂરો થવા આવ્યો, જુલાઈમાં ક્લાસ શરૂ થવાના છે અને હજુ એડમિશનનું ઠેકાણું નથી. જરૂર છે કે, કોર્ટ આવા વિદ્યાર્થી-હિતના મામલાઓને પ્રાથમિકતા આપી ઝડપી નિકાલ કરે. તેમજ કેસ પેન્ડિંગ હોય ત્યારે વચગાળાની સ્પષ્ટ વ્યવસ્થા ઊભી થાય, જેથી એક પણ વિદ્યાર્થીનું વર્ષ ન બગડે. કારણ કે સંસ્થા અને સરકાર ફરી લડી લેશે, પણ વિદ્યાર્થીનું બગડેલું વર્ષ કોણ પાછું આપશે?