અરવલ્લી જિલ્લામાં 1 માર્ચથી ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે

મોડાસા,તા. 22
અરવલ્લી જિલ્લામાં ૧લી માર્ચથી જુદાજુદા ૬ કેન્દ્રો પરથી
ગુજકોમાસોલ દ્વારા રવી પાક ચણા,તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો
પ્રારંભ કરવામાં આવનાર હોવાથી જરૂરી તૈયારીઓ હાથ ધરાઈ રહી છે. જિલ્લાના છ તાલુકા
મથકો ખાતેની માર્કેટયાર્ડમાં હાથ ધરવામાં આવનાર આ ખરીદીની પ્રક્રિયામાં જોડાવા
રજીસ્ટ્રેશન ૨૦ દિવસમાં જિલ્લાના ૫૦૬૬ ખેડૂતો દ્વારા ચણા,તુવેર
અને રાયડાના વેચાણ માટે રજિસ્ટ્રેશન થયું હોવાનું વિભાગના સૂત્રો દ્વારા જણાવાયું
હતું.
રાજયભરમાં ૧લી ફેબુ્રઆરીથી રવિપાક ચણા,તુવેર
અને રાયડાનું ટેકાના ભાવે ખરીદી માટે ગુજકોમાસોલ દ્વારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ
ધરાઈ હતી. ઓન લાઈન આ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ચણા માટે ૪૭૬૭,રાયડા માટે ૨૪૩ અને તુવેર માટે ૫૬ રજીસ્ટ્રેશન થવા પામ્યા છે. ત્યારે ૧લી
માર્ચથી શરૂ થનાર ખરીદી પ્રક્રિયાને લઈ જરૂરી તૈયારીઓ સંલગ્ન વિભાગ દ્વારા હાથ
ધરવામાં આવી રહી છે.
અરવલ્લી જિલ્લામાં ગત રવિ સીઝનમાં ૨૧૦૭૬ હેકટરમાં ચણા અને
૨૧૫૪ હેકટરમાં રાયડાનું વાવેતર જિલ્લાના ખેડૂતો દ્વારા હાથ ધરાયું હતું.ચાલુ
સીઝનમાં સરકાર દ્વારા ઠરાવેલ ચણાના પ્રતિમણ રૂ.૧૦૧૦ ના ટેકાના ભાવે
ગુજકોમાસોલ દ્વારા ૧ લી માર્ચથી ખરીદી હાથ
ધરાનાર છે,ત્યારે જિલ્લા ખરીદ વેચાણ સંઘ-હિંમતનગરની રાહબરી હેઠળ હાથ ધરાનાર આ ખરીદી પ્રક્રિયાને લઈ છ તાલુકા
મથકોના માર્કેટયાર્ડ ખાતે પસંદ કરાયેલ સ્થળની વીઝીટ કરી સાધન,સુવિધા ઉભી કરવા જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાનું ગુજકોમાસોલના
અક્ષયભાઈ એ જણાવ્યું હતું.આ ખરીદી પ્રક્રિયામાં ગુજકોમાસોલના-૧,જિલ્લા ખરીદ વેચાણ સંઘના-૧ અને એક જિલ્લા કોઓર્ડીનેટર મળી ૩ પ્રતિનિધિ
ખરીદ કેન્દ્ર ઉપર જરૂરી નિરીક્ષણ સહિતની કામગીરી હાથ ધરાશે.
જિલ્લામાં ૧લી માર્ચથી સભંવતઃ ઘઉંનું ટેકાના ભાવે વેચાણ
અર્થે રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું મનાઈ રહયું છે. ત્યારે આ
પ્રક્રિયા પુરવઠા નિગમ દ્વારા હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું
હતું.




