Gujarat

નોકરી આપવાની લાલચમાં મોડાસાના બે યુવકો સાથે 17 લાખની ઠગાઇ

By GS Team
2 Jul 20202 mins read
This article was originally published on 2 Jul 2020
નોકરી આપવાની લાલચમાં મોડાસાના બે યુવકો સાથે 17 લાખની ઠગાઇ

મોડાસા,તા.1 જુલાઈ, 2020, બુધવાર

મોડાસાના બે યુવકોને ઓ.એન.જી.સીમાં આસીસ્ટન્ટ સુપરવાઈઝરની નોકરી આપવાના બ્હાને ૧૭ લાખની છેતરપીંડી કરાતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બે શખ્શો સામે ફરીયાદ નોંધાઈ છે.બાયડ તાલુકાનો અને અમદાવાદના બે ઈસમો એ ભેગા મળી મોડાસાના બે યુવકોને લલચાવી ફોસલાવી લાખ્ખો રૂપિયાનો ચૂનો લગાવી દેતાં ચકચાર મચી છે. મોડાસાના બે યુવકો નોકરીની લાલચમાં ૧૭ લાખમાં છેતરાતાં ખળભળાટ મચી ગયો છે.

 મોડાસા શહેરમાં રામપાર્ક સોસાયટીમાં રહેતા પાર્થ નારાયણભાઈ ચૌહાણ અને હર્ષીલ મુકેશભાઈ પ્રજાપતિએ જાન્યુઆરી ૨૦૧૯માં બાયડ તાલુકાના બળીયાદેવ ગામનો રાજુભાઈ ડાહ્યાભાઈ પટેલ અને પ્રશાંતભાઈ નામના વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા.આ બંને શખ્શોએ મોડાસાના પાર્થ અને હર્ષીલ ને કહયું હતું કે ઓ.એન.જી.સી. માં આસીસ્ટન્ટ સુપર વાઈઝર ની નોકરી છે. જો તમારે નોકરી લેવી હોય તો મારે ઓળખાણ છે.જેથી મોડાસાના બંને યુવકો ભેગા મળી ૧૭ લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ છેલ્લા બે વર્ષ થી નોકરીનું કોઈ ઠેકાણુ ન પડતાં તેઓ છેતરાયા હોવાનું માલુમ પડયું હતું. બાયડ તાલુકાનો અને અમદાવાદનો શખ્શ લાખ્ખો રૃપિયાનો ચુનો લગાવી ફરાર થઈ ગયા હતા.જેથી આ અંગે ફરીયાદી નારાયણભાઈ શીવાભાઈ ચૌહાણ (રહે.રામપાર્ક સોસા., મોડાસા), મૂળ રહે.લીંભોઈ, તા.મોડાસાનાઓ એ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી રાજુભાઈ ડાહ્યાભાઈ પારેખ (મૂળ રહે. બળીયાદેવ, તા.બાયડ, જી.અરવલ્લી, હાલ રહે. ડાહ્યાભાઈ પાર્ક, વ્યાસવાડી ની સામે, નરોડા, અમદાવાદ) અને પ્રશાંતભાઈ નામનો માણસ જેનું પુરૂ નામ,સરનામું મળેલ નથી.તેઓની વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. 

પોલીસે બે શખ્શો સામે ઠગાઈનો ગુનો નોંધી પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા

મોડાસાના બે યુવાનોએ નોકરીની લાલચમાં ૧૭ લાખ જેટલી રકમ ગુમાવી દેતાં પશ્રિવારજનો હેબતાઈ ગયા છે. જેથી આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બે શખ્શો સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે બંને શખ્શો સામે ઠગાઈનો ગુનો નોંધી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.