આણંદ: ખંભાતના શકરપૂર ગામે તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારની ત્રણ દીકરીઓના કરૂણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anand News: આણંદના ખંભાત તાલુકાના શકરપૂર ગામના સીમ વિસ્તારમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારની ત્રણ દીકરીઓના કરૂણ મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ ત્રણેય માસૂમના મૃતદેહ બહાર કાઢ્યા હતા. સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારની ત્રણ દીકરીઓના કરૂણ મોત
મળતી માહિતી મુજબ, ખંભાત તાલુકાના શકરપૂર ગામના રહેવાસી અશ્વિન બારૈયા ખેતીમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘટના એમ છે કે, અશ્વિનની ત્રણ દીકરીઓ સાંજના સમયે ખડઉ સીમ વિસ્તારમાં શૌચક્રિયા માટે ગઈ હતી. ત્યારે કોઈ કારણોસર ત્રણેય માસૂમ તળાવના ઊંડા પાણીમાં ડૂબી હતી.
ઘણાં સમય બાદ પણ ત્રણેય દીકરીઓ ઘરે પરત ન ફરતાં પરિવારે ખેતર સહિતના વિસ્તારમાં તપાસ કરી હતી. આ દરમિયાન તળાવમાં બાળકી ડૂબી હોવાનું જણાતા સ્થાનિક તરવૈયાની મદદથી તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. જેમાં તળાવના ઊંડા પાણીમાંથી ત્રણેય માસૂમનો મૃતદેહ મળી આવ્યા હતા.
આ પછી, ત્રણેય દીકરીઓને સરકારી હોસ્પિટલ લઈ જતાં હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. એક સાથે ત્રણ દીકરીના મોત થતાં પરિવારમાં શોક છવાયો છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકોના નામ
- પ્રિયા (ઉં.વ.13)
- ઈશા (ઉં.વ.11)
- રીના (ઉં.વ.08)




