Gujarat

આણંદ જિલ્લાના 3 તાલુકાની 32 ગ્રા.પં.ની ચૂંટણી યોજવા કવાયત

By GS Team
22 Mar 20222 mins read
This article was originally published on 22 Mar 2022
આણંદ જિલ્લાના 3 તાલુકાની 32 ગ્રા.પં.ની ચૂંટણી યોજવા કવાયત

- વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓને લઇ કામગીરી શરૂ

- આણંદ તાલુકની 17, ઉમરેઠની 12 અને આંકલાવ તાલુકાની 3 ગ્રા.પંની મુદત તા.૩જી મેના રોજ પૂર્ણ થશે

આણંદ : આણંદ જિલ્લાના આણંદ તાલુકાની ૧૭, ઉમરેઠ તાલુકાની ૧૨ અને આંકલાવ તાલુકાની ૩ મળી કુલ ૩૨ ગ્રામ પંચાયતોની મુદ્દત પૂર્ણ થવાની છે ત્યારે આ ગામોમાં ચૂંટણી યોજવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને મતદાર યાદી પણ પ્રસિધ્ધ કરી દેવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

વિધાનસભાની ચૂંટણીને આડે એક વર્ષથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે આણંદ જિલ્લાના આણંદ તાલુકાની ૧૭ ગ્રામ પંચાયતોની આગામી તા.૨૬મી એપ્રિલના રોજ અને ઉમરેઠ તાલુકાની ૧૨ તેમજ આંકલાવ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોની મુદ્દત આગામી તા.૩ મેના રોજ પૂર્ણ થનાર છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની ૩૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે અને રાજ્યના ચૂંટણી પંચનો આદેશ આવે એ સાથે જ ચૂંટણી પ્રક્રિયા પણ તેજ કરી દેવામાં આવનાર છે. આણંદ, આંકલાવ અને ઉમરેઠ એ ત્રણ તાલુકાની કુલ ૩૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીની અસર આણંદ, આંકલાવ અને ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભારે અસર થવાની શક્યતા રહેલી હોઈ અત્યારથી જ રાજકીય પાર્ટીઓ દ્વારા સરપંચ સહિત વોર્ડના સભ્યોની પસંદગીની પ્રક્રિયા અંદરખાને તેજ કરી દીધી છે ત્યારે માર્ચ માસના અંતિમ દિવસો દરમ્યાન ચૂંટણીઓ યોજવા અંગેનું જાહેરનામું બહાર પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

આણંદ જિલ્લાના ત્રણ તાલુકાઓની ૩૨ ગ્રામ પંચાયતોની મુદ્દત પુરી થનાર હોઈ આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સમરસ ગ્રામ પંચાયતો બને તે દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે. જો કે પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતો ઉપર ભાજપ અને કોંગ્રેસ દ્વારા નજરો સ્થિર કરી પક્ષની વિચારધારાવાળા સરપંચ બને તે દિશામાં પ્રયત્નો શરૂ કરી દીધા છે. 

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પક્ષના બેનર વગર જ લડાતી હોવા છતાં હાલ તો રાજકીય પક્ષો દ્વારા પોતાની પક્ષની વિચારસરણીવાળા ઉમેદવાર વિજયી બને તે માટે દોરીસંચાર શરૂ કરી દેવાયો હોવાનો ગણગણાટ તેજ થવા પામ્યો છે.