Anand

ગંભીરા બ્રિજ તૈયાર: મહીસાગર નદી પર ₹212 કરોડના ખર્ચે બનેલા નવા પુલનું 20 સપ્ટેમ્બરે થશે લોકાર્પણ

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં મહીસાગર નદી પર રૂ. 212 કરોડના ખર્ચે બનેલો નવો ગંભીરા બ્રિજ 20 સપ્ટેમ્બરે લોકાર્પણ માટે સજ્જ છે. જૂનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયા બાદ, માર્ગ અને મકાન વિભાગે ટૂંકાગાળામાં આ બ્રિજ તૈયાર કર્યો. તમામ ટેકનિકલ ટેસ્ટિંગ પૂર્ણ થતા, હવે વાહનવ્યવહાર ઝડપી અને સુરક્ષિત બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગંભીરા બ્રિજ તૈયાર: મહીસાગર નદી પર ₹212 કરોડના ખર્ચે બનેલા નવા પુલનું 20 સપ્ટેમ્બરે થશે લોકાર્પણ

Anand Gambhira Bridge: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી પર 212 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ગંભીરા બ્રિજ હવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયો છે. જૂનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયા બાદ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટૂંકા ગાળામાં આ નવો બ્રિજ બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યો છે. આગામી 20મી સપ્ટેમ્બરના રોજ આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, જેનાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોને મોટી રાહત મળશે.

તમામ ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ લોકાર્પણ થશે

ગંભીરા બ્રિજ સંબંધિત દુર્ઘટનાઓને અત્યંત ગંભીરતાથી લઈને સરકારે કોઈપણ પ્રકારની ઉતાવળ કરવાને બદલે બ્રિજની સુરક્ષા અને ટકાઉપણાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. આ જ કારણોસર સિવિલ વર્ક પૂર્ણ થઈ ગયું હોવા છતાં, બ્રિજની મજબૂતીની સંપૂર્ણ ચકાસણી માટે લોકાર્પણ થોડો સમય અટકાવવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજ પર અલગ-અલગ ત્રણ ટેકનિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image.png

આ બ્રિજના નિર્માણમાં નદીના પાણીના પ્રહારથી પાયાને રક્ષણ આપવા માટે ખાસ 'પ્રિકાસ્ટ સેક્રિફિશિયલ પ્લેટ' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોંક્રિટનું આ વિશેષ સ્તર નદીના ઝડપી વહેણ, પથ્થરોના ઘસારા અને રાસાયણિક અસરો સામે બ્રિજના પિલર્સને સુરક્ષિત રાખશે. તમામ જરૂરી ટેકનિકલ તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાથી હવે ટૂંક સમયમાં જ આ બ્રિજ પર વાહનોનો ધમધમાટ શરૂ થઈ જશે.

image.png

નવા ગંભીરા બ્રિજનું નિર્માણ પૂર્ણ થવાથી આણંદ, વડોદરા અને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત તરફ જતો વાહનવ્યવહાર વધુ ઝડપી, સરળ અને સુરક્ષિત બનશે. આ બ્રિજ શરૂ થવાથી વેપાર-રોજગારને વેગ મળશે અને દરરોજ મુસાફરી કરતા લોકોને સમય તેમજ બળતણની મોટી બચત થશે.

image.png

દુર્ઘટનામાં 22 નિર્દોષ વ્યક્તિઓ મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે નવમી જુલાઈ 2025ના રોજ પાદરા તાલુકાના ગામો તેમજ આણંદ જિલ્લાના ગામોને જોડતા મહી નદી પરનો ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડતા સવારે નોકરી પર જતા તો કોઈ કામ ધંધા પર જતા વાહનો એક પછી એક નદીમાં ખાબક્યા હતાં અને આ કમનસીબ ઘટનામાં 22 નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો. ખખડધજ બ્રિજ હોવા છતાં તેને ભારેધારી વાહનો માટે બંધ ના કરાયો અને મોટી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું.