અમરેલી: વડિયામાં 5 લોકોને લોહીલુહાણ કરનાર સિંહણનું મોત, રેસ્ક્યૂ બાદ સારવાર દરમિયાન દમ તોડ્યો, હડકવાની શંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Vadiya Lioness Death: અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં અરજણસુખ અને તોરી ગામ વચ્ચે 12 કલાક સુધી આતંક મચાવી વનકર્મી સહિત 5 લોકોને ઈજાગ્રસ્ત કરનાર આક્રમક સિંહણનું ગત(4 ઓક્ટોબર) રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વનવિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરીને સિંહણને ટ્રાન્ક્વિલાઇઝર (બેભાન) કરીને પાંજરે પૂર્યા બાદ ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો.
12 કલાકમાં 4 સ્થળોએ હુમલા કરી 5 લોકોને કર્યા હતા ઈજાગ્રસ્ત
ઉલ્લેખનીય છે કે,1 ઓક્ટોબરની રાત્રે અરજણસુખ ગામના પાટિયા નજીક પ્રસંગ પતાવીને બાઇક પર પરત ફરી રહેલા તોરી ગામના મેહુલ વાજા અને ભગીરથ બસિયા પર અચાનક સિંહણે હુમલો કર્યો હતો. ત્યાર બાદ સિંહણે એક પછી એક અલગ-અલગ 4 સ્થળોએ આક્રમક થઈને હુમલા કર્યા હતા. આ બનાવમાં અરજણસુખના અતુલ પોકળ, તોરી ગામના છોટુ રાવત, ભગીરથ, મેહુલ તેમજ ફરજ પરના વનકર્મી અનુરુદ્ધસિંહ વાળા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
6 ટીમોનું મેગા ઓપરેશન અને ટ્રાન્ક્વિલાઇઝેશન
ઘટના અંગે વનવિભાગના ACF સહિતના ઉચ્ચ અધિકારીઓ અને 6 ટીમો દ્વારા રાતભર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આખરે 2 ઓક્ટોબરની બપોરે આક્રમક બની ગયેલી સિંહણને સફળતાપૂર્વક ટ્રાન્ક્વિલાઇઝ કરી પાંજરે પૂરી દેવામાં આવી હતી.
રેસ્ક્યૂ બાદ સારવારમાં મોત: હડકવા અંગે સસ્પેન્સ
પાંજરે પૂરેલી હુમલાખોર સિંહણને તાત્કાલિક ધોરણે સારવાર અને ઓબ્ઝર્વેશન માટે ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, ગત રાત્રે સારવાર ચાલુ હતી તે દરમિયાન સિંહણનું કમનસીબ મોત નીપજ્યું હતું.
સામાન્ય રીતે ગીરની સિંહણ આટલી હદે આક્રમક બનીને સતત માનવ હુમલા કરતી નથી, જેથી સિંહણને હડકવાની અસર હતી કે કોઈ અન્ય ગંભીર બીમારી, તે અંગેનું સાચું કારણ પોસ્ટમોર્ટમ અને પેથોલોજી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. સિંહણના અચાનક મોતથી વનવિભાગમાં પણ અરેરાટી સાથે ભારે દોડધામ મચી ગઈ છે.




