Amreli

અમરેલી: વડિયામાં 6 વર્ષના માસૂમ પર દીપડાનો હુમલો, ધારી ગીરમાં એક દીપડો પાંજરે પુરાયો, તો ખેડૂતના ઘર બહાર બેઠેલા ડાલામથ્થા સિંહનો વીડિયો વાઈરલ

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
અમરેલીના વડિયાના હનુમાન ખીજડીયા ગામે ખેતરમાં રમી રહેલા 6 વર્ષના માસૂમ બાળક છયારામ પર દીપડાએ હુમલો કર્યો હતો. જોકે, પિતાએ હિંમતભેર દીપડાનો સામનો કરી બાળકને બચાવ્યો. ઘાયલ બાળકને જૂનાગઢ ખસેડાયો છે. આ ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. બીજી તરફ, ધારી ગીરના વાઘાવાડી ગામે એક દીપડો પાંજરે પુરાયો છે. બીજી તરફ, ધારીમાં ખેડૂતના ઘર બહાર ડાલામથ્થો સિંહ જોવા મળ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: વડિયામાં 6 વર્ષના માસૂમ પર દીપડાનો હુમલો, ધારી ગીરમાં એક દીપડો પાંજરે પુરાયો, તો ખેડૂતના ઘર બહાર બેઠેલા ડાલામથ્થા સિંહનો વીડિયો વાઈરલ

Leopard Attack On Child In Vadiya, Amreli News: અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. ત્યારે વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે ખેતરમાં રમી રહેલા 6 વર્ષના માસૂમ બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. જો કે, પિતાએ હિંમત દાખવીને બાળકને દીપડાના મુખમાંથી બચાવી લીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા બાળકને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે. તેવામાં આજે(25 સપ્ટેમ્બર) ધારી ગીરના વાઘાવાડી ગામે દીપડો પાંજરે પૂરાયો છે. બીજી તરફ, ધારીમાં ખેડૂતના ઘર બહાર ડાલામથ્થો સિંહ જોવા મળ્યો હતો.

વડિયાના હનુમાન ખીજડીયામાં 6 વર્ષના માસૂમ પર દીપડાનો હુમલો

પ્રાપ્ત માહિતી અનુસાર, વડિયાના હનુમાન ખીજડીયા ગામે લાલાભાઇની વાડીમાં ખેતમજૂરી કરતા પરિવારનો 6 વર્ષનો દીકરો છયારામ રજાકભાઈ વાડીમાં રમી રહ્યો હતો. આ સમયે કપાસના પાકમાં છુપાયેલો એક દીપડો અચાનક બહાર આવી રમતા બાળક પર તરાપ મારી હતી.

પિતાના પ્રતિકારને પગલે દીપડો બાળકને મૂકી ભાગ્યો

દીપડાએ બાળકને પોતાના જડબામાં પકડી લેતા બાળકે ચીસાચીસ કરી મૂકી હતી. બાળકનો અવાજ સાંભળીને કપાસમાં ખેતકામ કરી રહેલા તેના પિતા દોડી આવ્યા હતા. પોતાના વહાલસોયાને દીપડાના મોઢામાં જોઈને પિતાએ જીવની પરવા કર્યા વિના દીપડાનો સામનો કર્યો હતો. પિતાના પ્રતિકારને પગલે દીપડો બાળકને પડતો મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો

આ જીવલેણ હુમલામાં 6 વર્ષના છયારામને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે વડિયા ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તેની ગંભીર હાલતને જોતા વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યો છે.

દીપડાના હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ

નાના એવા હનુમાન ખીજડીયા ગામમાં ધોળા દહાડે બનેલી દીપડાના હુમલાની આ ઘટનાથી ખેડૂતો, ખેતમજૂરો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. વન વિભાગ દ્વારા સત્વરે કામગીરી કરી આ દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Gujarat Samachar - 2026-09-25T225556.496.jpg

ધારી ગીરના વાઘાવાડી ગામે એક દીપડો પાંજરે પુરાયો

બીજી તરફ, ધારી ગીરના વાઘાવાડી ગામે એક દીપડો પુરાયો પાંજરે છે. વાઘાવાડીમાં અવારનવાર જોવા મળતા દીપડાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયેલો હતો. વનવિભાગને રજૂઆત કરતા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વનવિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતના શ્વાસ લીધા છે.

ધારી: ખેડૂતના ઘર બહાર બેસી ગયો ડાલામથ્થો સિંહ

જાણે સાક્ષાત મંદિરની બહાર બેઠેલી પ્રતિમા હોય, તે જ અંદાજમાં અમરેલીના ધારીમાં ખેડૂતના ઘર બહાર ડાલામથ્થો સિંહ બેસી ગયો હતો. દીટલા ગામના એક ખેડૂતના ખેતરમાં આવેલા મકાનના દરવાજા પાસે ઢળતી સાંજે ભરાવદાર કેશવાળી વાળો સિંહ આવી પહોંચ્યો હતો અને જાણે મકાનની ચોકીદારી કરતો હોય તે રીતે બેસી ગયો હતો. ઘરની બહાર જ ડાલામથ્થાનો પહેરો જોઈ આસપાસના ખેડૂતોમાં ભય સાથે આશ્ચર્ય સર્જાયું છે. મકાનની રખેવાળી કરતો હોય તેવો આ અદભુત વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.