અમરેલીમાં ખૂંખાર સિંહણનો આતંક!: એક જ રાતમાં 5 લોકો પર કર્યો હુમલો, 12 કલાકના મેગા ઓપરેશન બાદ પાંજરે પૂરાઈ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Lioness Attack: અમરેલી જિલ્લાના વડિયામાં આવેલા અરજણસુખ ગામ અને આસપાસના વિસ્તારમાં વિફરેલી સિંહણે આતંક મચાવ્યો હતો. આ સિંહણે 12 કલાકના એક પછી એક અલગ-અલગ 4 સ્થળોએ હુમલા કરીને ફોરેસ્ટ ગાર્ડ સહિત 5 લોકોને લોહીલુહાણ કરી દીધા હતા. ત્યારબાદ વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ બપોરે સિંહણને ટ્રાન્ક્વિલાઇઝર (બેભાન) કરીને પાંજરે પૂરી લેવામાં આવતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે.
બાઇકસવાર યુવકો પર હુમલાથી શરૂ થયો આતંક
પહેલી ઑક્ટોબરની રાત્રે તોરી ગામના મેહુલ વાજા અને ભગીરથ બસિયા અરજણસુખ ગામેથી પ્રસંગ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અરજણસુખ ગામના પાટિયા નજીક રસ્તામાં અચાનક સિંહણે તેમના પર હુમલો કરી દીધો હતો. સિંહણના હુમલાને કારણે બંને યુવકો નીચે પટકાયા હતા, જેમાં એકને હાથના ભાગે અને બીજાને પગના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 મારફતે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મોડીરાતની આ ઘટના બાદ પણ સિંહણનો આતંક અટક્યો નહોતો. તેણે સીમ વિસ્તારમાં વધુ લોકો પર હુમલા કર્યા હતા. સિંહણ માણસોને જોઈને સીધી હુમલો કરવા દોડતી હોવાથી સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તપાસ દરમિયાન વનવિભાગના એક ફોરેસ્ટ ગાર્ડ પર પણ સિંહણે હુમલો કરીને તેને ઈજાગ્રસ્ત કર્યા હતા.
ઈજાગ્રસ્તના નામ
•અતુલ પોકળ (અરજણસુખ ગામ)
•છોટુ રાવત (તોરી ગામ)
•ભગીરથ (અરજણસુખ ગામ)
•મેહુલ (અરજણસુખ ગામ)
•અનુરુધસિહ વાળા (વનકર્મી)
12 કલાક ચાલેલું રેસ્ક્યૂ ઓપરેશન
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને વનવિભાગના ACF રાજન જાદવ સહિતનો કાફલો રાત્રે 1 વાગ્યાની આસપાસ સ્થળ પર પહોંચ્યો હતો અને સ્કેનિંગ શરૂ કર્યું હતું. વનવિભાગની 6 ટીમો અને તબીબોના કાફલા દ્વારા સિંહણના સગડ મેળવીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. આખરે આજે (બીજી ઑક્ટોબર) બપોરે આસપાસ સિંહણને સફળતાપૂર્વક ટ્રાન્ક્વિલાઇઝર કરી પાંજરે પૂરવામાં આવી હતી.
સામાન્ય રીતે સિંહણ આ રીતે આક્રમક થઈને સતત હુમલા કરતી નથી, તેથી તેણે આ પ્રકારે હુમલા કેમ કર્યા તે જાણવા માટે વનવિભાગ દ્વારા તેનું વિગતવાર હેલ્થ ચેકઅપ અને વર્તણૂક ચકાસણી હાથ ધરવામાં આવશે.




