Amreli

VIDEO|અમરેલી: રાજુલા તાલુકા ભાજપના નેતા સામે દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગની ફરિયાદ, ખાંભા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

By GS Team
21 Nov 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લાના રાજુલા ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિક્રમ સાંખટ સામે ખાંભામાં પરિણીતા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આશરે 3 વર્ષ પહેલા પરિચય બાદ વિક્રમ સાંખટે સમૂહલગ્નના બહાને વાવેરા ગામે ઘરે બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા. બાદમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી, ઘરમાં ઘૂસી રસોડામાં દુષ્કર્મ આચર્યું હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO|અમરેલી: રાજુલા તાલુકા ભાજપના નેતા સામે દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગની ફરિયાદ, ખાંભા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Amreli crime news : અમરેલી જિલ્લાના રાજકારણમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઈન્ચાર્જ વિક્રમ સાંખટ સામે ખાંભા તાલુકાની એક પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

ભાજપ નેતાએ બળજબરીપૂર્વક મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

ખાંભા તાલુકામાં રહેતી એક પરિણીત મહિલાએ ખાંભા પોલીસ મથકમાં ભાજપના હોદ્દેદાર વિક્રમ સાંખટ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે, આશરે ત્રણેક વર્ષ પહેલાં વિક્રમ સાંખટ સાથે તેનો પરિચય થયો હતો. ત્યારબાદ વિક્રમ સાંખટે સમૂહલગ્નમાં લઈ જવાના બહાને મહિલાને વાવેરા ગામે પોતાના ઘરે બોલાવી મરજી વિરૂદ્ધ શારીરિક અડપલાં કર્યા હતા, અને ફોટા પાડી વાઈરલ કરવાની ધમકી આપી હતી.

આ સિવાય આશરે એકાદ વર્ષ પહેલા આરોપી મહિલાના પિયરે પહોંચ્યો હતો. જ્યાં તેણે મહિલાને પોલીસનો ડર બતાવીને ધમકાવી મહિલાના ઘરમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરી, તેણીને ઘરના રસોડામાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.

ભોગ બનનાર પરિણીતાએ હિંમત દાખવીને સમગ્ર ઘટના અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે વિક્રમ સાંખટ સામે દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

થોડા સમય પહેલા જ આરોપી વિક્રમ સાંખટની રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઈન્ચાર્જ તરીકે થઈ હતી નિમણૂક

નોંધનીય છે કે, આરોપી વિક્રમ સાંખટની થોડા સમય પહેલા જ રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઈન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જવાબદાર હોદ્દા પર બેઠેલા નેતા સામે જ આ પ્રકારનો ગંભીર ગુનો નોંધાતા ભાજપ સંગઠનમાં પણ સન્નાટો છવાયો છે. હાલ ખાંભા પોલીસે પીડિતાનું નિવેદન નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.