Amreli

અમરેલી: સાવરકુંડલા ખેતીવાડી વિભાગની મનમાની! સબસિડીવાળા 180થી વધુ ટ્રેક્ટરોના વેરિફિકેશન માટે ખેડૂતોને યાર્ડમાં ધક્કો ખવડાવ્યો

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
સાવરકુંડલા ખેતીવાડી વિભાગે સબસિડીવાળા ટ્રેક્ટરના વેરિફિકેશન માટે 180થી વધુ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં બોલાવતા રોષ ફેલાયો છે. નિયમ મુજબ અધિકારીઓએ ખેડૂતોના ખેતરે જઈને નિરીક્ષણ કરવાનું હોય છે, પરંતુ સ્ટાફની અછતનું બહાનું ધરી ખેડૂતોને હાલાકી ભોગવવી પડી. ખેતીની સિઝનમાં ડીઝલ બાળીને સમય બગાડતા ખેડૂતોએ સરકારની યોજનાને બિરદાવી, પણ વિભાગની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: સાવરકુંડલા ખેતીવાડી વિભાગની મનમાની! સબસિડીવાળા 180થી વધુ ટ્રેક્ટરોના વેરિફિકેશન માટે ખેડૂતોને યાર્ડમાં ધક્કો ખવડાવ્યો

Savarkundla Agriculture Department Tractor Verification: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની સુવિધા માટે સબસિડી પર ટ્રેક્ટરો આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં અમરેલીના સાવરકુંડલા ખેતીવાડી વિભાગે પોતાની સરળતા ખાતર દૂર-દૂરના ગામડાંઓમાંથી 180થી વધુ ખેડૂતોને પોતાના સબસિડીવાળા ટ્રેક્ટરો સાથે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે ભેગા થવા ફરમાન કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વાહન વેરિફિકેશન માટે ખેડૂતોને સાવરકુંડલા ધક્કો ખવડાવ્યો

ખેડૂતોના જણાવ્યા અનુસાર, નિયમ મુજબ ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને સ્ટાફે પોતે ખેડૂતોના ખેતરે કે વાડીએ જઈને ટ્રેક્ટરનું સ્થળ નિરીક્ષણ(વેરિફિકેશન) કરવાનું હોય છે. પરંતુ સાવરકુંડલા ખેતીવાડી વિભાગે પોતાની કામગીરીમાંથી છટકીને 180થી વધુ ટ્રેક્ટરોને માર્કેટિંગ યાર્ડ ખાતે ભેગા કર્યા હતા. હાલમાં ખેતીની ચાલુ સિઝને મોંઘા ભાવનું ડીઝલ બાળીને અને કિંમતી સમય બગાડીને દૂરના ગામડેથી સાવરકુંડલા સુધી ધક્કો ખાવો પડતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

સરકારની યોજનાના વખાણ, પણ અધિકારીઓ સામે રોષ

સાવરકુંડલા યાર્ડમાં એકઠા થયેલા ખેડૂતોએ સરકારની આર્થિક સહાય અને સબસિડીની યોજનાને બિરદાવી હતી, પરંતુ સ્થાનિક ખેતીવાડી વિભાગની હેરાનગતિની નીતિ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.

તંત્રનું એક જ રટણ: ‘અમારી પાસે પૂરતો સ્ટાફ નથી’

બીજી તરફ, સમગ્ર મામલે સાવરકુંડલા ખેતીવાડી વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્ટાફની અછતનું બહાનુ આગળ ધર્યું હતું. તંત્રનું કહેવું હતું કે, પૂરતો સ્ટાફ ન હોવાના કારણે ગામેગામ જઈને વેરિફિકેશન કરવું શક્ય ન હોવાથી તમામ ખેડૂતોને એક જ જગ્યાએ બોલાવવામાં આવ્યા હતા.