અમરેલીમાં 'મિલીપેડ' ઈયળોનું આક્રમણ: દીવાલો-છત પર લાખો જીવડાં, લોકોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Millipede Infestation In Amreli: અમરેલી જિલ્લાના સાાવરકુંડલા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મિલીપેડ એટલે કે ‘કાંઉસી ઈયળ’ના અસહ્ય ઉપદ્રવે ગ્રામજનોનું જીવન દોહલું બનાવી દીધું છે. મિતિયાળા, કૃષ્ણગઢ, સાકરપરા, નાનુડી ભાડ સહિતના અનેક ગામોમાં લાખો-કરોડોની સંખ્યામાં જોવા મળતા મિલીપેડ હવે માત્ર ખેતર કે ખુલ્લી જમીન પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ સીધા ગ્રામજનોના ઘરોમાં ઘૂસી ગયા છે. દીવાલો, છત, નળિયા અને ઘરવખરી પર મિલીપેડની ફોજે કબજો જમાવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ચાર વર્ષથી આ સમસ્યા સતત વકરી
સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લાં ચાર વર્ષથી આ સમસ્યા સતત વકરી રહી છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં મિલીપેડનો ઉપદ્રવ જોવા મળતા હવે ગ્રામજનોમાં ચિંતા અને રોષ બંને વધી રહ્યા છે. ઘરમાં પગ મૂકતા પહેલાં જમીન જોવી પડે અને બેસવા કે જમવા પહેલાં જગ્યા સાફ કરવી પડે તેવી લાચારી સર્જાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી આવે છે કે કેટલાક પરિવારોને ઘરમાં નીચે બેસીને જમવું પણ મુશ્કેલ બની ગયું છે. મિલીપેડથી બચવા માટે ગ્રામજનો ખાટલા ઉપર બેસીને જમવા મજબૂર બન્યા છે. ખાદ્યસામગ્રી, અનાજ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ પણ જમીનથી ઊંચાઈ પર રાખવી પડે છે. ઘરની અંદર એક જગ્યાએ મિલીપેડ દૂર કરો તો બીજી જગ્યાએથી તેની ફોજ હાજર થઈ જાય છે. દીવાલો અને છત પર સરકતા મિલીપેડથી બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ છે. રોજિંદા જીવનની સામાન્ય ક્રિયાઓ પણ મુશ્કેલ બની ગઈ છે.
આ સમસ્યા પાછળનું મૂળ કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વૈજ્ઞાનિક નિષ્કર્ષ સામે આવ્યો નથી. જોકે મિાતયાળા સહિતના સ્થાનિકો વિસ્તારમાં વધી રહેલા ડુંગરોના ખોદકામ, માટી-પથ્થરના ખનન અને જેસીબીના બેફામ ઉપયોગ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે ડુંગરાળ વિસ્તારમાં કુદરતી રીતે રહેનારા જીવોનું આવાસ સતત ખોરવાતું ગયું છે.
ડુંગરોના અડેધડ ખોદકામ અને જમીનની રચનામાં થતા ફેરફારોને કારણે આવા જીવાતોના કુદરતી રહેઠાણમાં ખલેલ પડી હોય અને તેઓ માનવ વસાહતો તરફ ધસી આવ્યા હોય તેવી આશંકા છે. જોકે મિલીપેડના ઉપદ્રવનું સીધું કારણ ખનન જ છે એવું વૈજ્ઞાનિક તપાસ વિના કહેવું યોગ્ય નથી. આ માટે વનવિભાગ, કૃષિ નિષ્ણાતો અને કીટવિજ્ઞાન નિષ્ણાતોની સંયુક્ત તપાસ જરૂરી છે.









